એઇડ્‌સગ્રસ્ત બાળકી એક દિવસ માટે ઓફિસર બની

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : મહેસાણા તાલુકાના લાંઘણજ પોલીસમથકમાં આજે હાજર તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એક નાની બાળકી એવી પોલીસ અધિકારીને સલામ મારતા અને તેનો હુકમ પાળતા જાવા મળ્યા હતા. આ દ્રશ્યોએ સ્થાનિક લોકો સહિત સમગ્ર પંથકમાં પણ ભારે આશ્ચર્ય જન્માવ્યું હતું. જો કે, વાત એમ હતી કે, એઈડ્‌સગ્રસ્ત જન્મેલી એક બાળકીની પોલીસ અધિકારી બનવાની મહેચ્છા આજે મહેસાણાની લાંઘણજ પોલીસે માનવીય અભિગમ સાથે પૂર્ણ કરી હતી, જેને લઇ પોલીસના આ માનવીય અભિગમ અને માનવતાવાદી ઔદાર્યની ભારોભાર પ્રશંસા થતી જોવા મળી હતી.

પોલીસની આ અનોખી અને ઉમદા પહેલા સમાજના અન્ય લોકો અને તંત્ર માટે પણ પ્રેરણારૂપ બની રહી હતી. સ્થાનિક લોકો સહિત પોલીસ તંત્રના ઉચ્ચ સત્તાધીશો અને સરકારી તંત્ર દ્વારા પણ લાંઘણજ પોલીસને આ ઉમદા કાર્ય બદલ ખાસ અભિનંદન પાઠવાયા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણા તાલુકાના એક ગામની છોકરી માતાના ગર્ભમાંથી ઈન્ફેકશન (એઈડ્‌સગ્રસ્ત હાલતમાં) સાથે જન્મ લીધો હતો. બાળકીને મોટા થઈને એક પોલીસ અધિકારી બનવાની મહેચ્છા હતી. આ વાતની જાણ ગુજરાત પોલીસને થતા બાળકીની ઇચ્છાપુર્તિ માટે ગુજરાત પોલીસે તેને એક દિવસીય પોલીસ અધિકારી બનાવવાની સૂચના અધિકારીને આપી હતી. આ બનાવના પગલે મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશનમાં બાળકીને એક દિવસીય પોલીસ અધિકારી બનાવવામાં આવી હતી.

આ સમયે પોલીસ સ્ટેશન પોલીસ ઈન્ચાર્જ સહિત ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતાં. પોલીસ અધિકારીને જે સન્માન મળતું હોય તે બધા બાળકીને આપવામાં આવ્યા હતાં. ગુજરાત પોલીસની આ માનવતાવાદી વલણને લઈ ગુજરાત પોલીસની અનોખી પહેલને લઈ સ્થાનિક ગ્રામજનો, રહેવાસીઓ અને સમગ્ર પંથકમાં પોલીસની આ માનવીય અભિગમભરી પહેલના ભારોભાર વખાણ અને પ્રશંસા થતા જોવા મળ્યા હતા.

Share This Article