ફિલ્મ અભિનેતા સલમાન ખાનને ધમકી આપવાના મામલામાં મુંબઈ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આરોપી રામ બિશ્નોઈની પોલીસે જોધપુરથી ધરપકડ કરી છે. મુંબઈ પોલીસ અને લૂણી થાણા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી છે. આરોપીએ ઈ-મેલ દ્વારા સલમાન ખાનને જાનથી મારવાની ધમકી આપી હતી. મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં જાનથી મારી નાખવાની ધમકીનો કેસ નોંધવામાં આવ્યો હતો. ધરપકડ બાદ પોલીસ રોહિચા કલાના રહેવાસી ૨૧ વર્ષીય ધાકડ રામ વિશ્નોઈને મુંબઈ લઈ ગઈ છે. ધાકડ રામ વિશ્નોઈ પર પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાના પિતાને ધમકી આપવાનો પણ આરોપ છે. સલમાન ખાનને મળી રહેલી ધમકીઓ બાદ પોલીસે સુરક્ષા વધારી દીધી હતી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સુપરસ્ટારને માફી માંગવા કહ્યું હતું. માફી નહીં માંગવા બદલ પરિણામ ભોગવવાની ચેતવણી આપી હતી. પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના સાથી ગોલ્ડી બરાર વિરુદ્ધ અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ કેસ નોંધ્યો હતો. સલમાન ખાનના મિત્ર પ્રશાંત ગુંજલકર વતી FIR દાખલ કરવામાં આવી હતી. સલમાનની ૨૪ કલાક સુરક્ષા માટે બે આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ અને ૮-૧૦ કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું હતું કે સલમાનના ફેન્સને ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘર-ઓફિસની બહાર ભેગા થવાની મંજૂરી નથી.
નોંધનીય છે કે જેલમાંથી એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા લોરેન્શ બિશ્નોઈએ કહ્યુ હતુ કે સલમાન ખાન બિશ્નોઈ સમાજના દેવતા જંબેશ્વરજી મંદિર જાય અને કાળા હરણની હત્યાના મામલામાં માફી માંગે. મારા જીવનનું એક લક્ષ્ય છે સલમાન ખાનને મારવો. સુરક્ષા હટતા સલમાન ખાનની હત્યા કરીશ.