સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી ૨૩ વર્ષ બાદ ઝડપાયો છે. સુરત PCB દ્વારા ૨૩ વર્ષ બાદ ઓડીશા ખાતેથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને પકડવા માટે પોલીસની ટીમ વેશપલટો કરીને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ હતી અને આખરે આરોપી બાબતે માહિતી મળેવીને તેને ઝડપી પાડ્યો હતો.
સુરત PCB પોલીસની ટીમને માહિતી મળી હતી કે પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી ઓડિશા ખાતે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસની એક ટીમ બનાવવામાં આવી હતી અને આ ટીમ ઓડિશા ખાતે પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદ મેળવીને ઓડિશાના ગંજામ જિલ્લાના સોડક ગામ ખાતેથી આરોપી સીમાંચલ લાડુ ઉર્ફે નડુ ડાકવાની ધરપકડ કરી હતી.પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી વર્ષ ૨૦૦૧માં પાંડેસરાના પુનીત નગરમાં ભાડાની રૂમમાં રહેતો હતો. ત્યારે તેની પડોશમાં રહેતા શિવરામ દલાઈના પુત્રના નવા કપડા પ્રતાપ ઉર્ફે શંકર લઈને ભાગી ગયો હતો. તેથી તેને શોધવા આરોપી પોતે તથા અન્ય માણસો ગયા હતા અને પ્રતાપ મળી આવતા તેની સાથે ઝઘડો થતાં બધાએ ભેગા મળી તેના પર કુહાડી, ચપ્પુ, તલવાર જેવા હથિયારો વડે હુમલો કરી તેનું માથું ધડથી અલગ કરી ખાડીમાં લાશને ફેકી દીધી હતી.