નકસલી લીંક : આરોપીઓ પુરાવાઓ નષ્ટ કરી શકે છે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હી: માનવ અધિકાર કાર્યકર્તાઓ સાથે કથિત નકસલવાદી લિંકના મામલામાં મહારાષ્ટ્ર પોલીસે સુપ્રિમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરી દીધી છે. મહારાષ્ટ્ર પોલીસે સુપ્રિમ કોર્ટમાં કહ્યું છે કે સરકાર સાથે અસહમતી માટે નહીં બલ્કે પ્રતિબંધિત સંગઠન સીપીઆઈના સભ્ય હોવાના પુરાવા મળ્યા બાદ આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી અને તેમની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓની પૂછપરછ માટે સુપ્રિમ કોર્ટથી ફરી એકવાર તેમની કસ્ટડીની માંગ પણ કરી છે. સાથે સાથે એવી શંકા પણ વ્યક્ત કરી છે કે આરોપીઓ પુરાવાને નષ્ટ કરી શકે છે. પોલીસે કોર્ટમાં સીલબંધ કરવામાં પુરાવા રજુ કરી દીધા છે. ગયા સપ્તાહમાં જ મંગળવારના દિવસે મહારાષ્ટ્ર પોલીસે કાર્યકર સુધા ભારદ્વાજ, ગૌતમ નવલખા, અરૂણ ફરેરા, તેલુગુ કવિ વરવરા રાવ અને વેરનોનની અટકાયત કરી હતી. આના ઉપર અનલોફુલ એક્ટીવીટીઝ પ્રિવેન્શન એક્ટની જુદી જુદી જાગવાઈ લાગુ કરવામાં આવી હતી. એક દિવસ બાદ સુપ્રિમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસને આદેશ આપ્યો હતો કે તેમને ધરપકડ કરવાના બદલે તેમના ઘરમાં રાખવામાં આવે તે જરૂરી છે.

સુપ્રિમ કોર્ટે છઠ્ઠી સપ્ટેમ્બર સુધી તેમને જેલ ન મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે અસહમતીને દબાવવા માટે પણ પ્રયાસ કર્યા હતા. મહારાષ્ટ્ર પોલીસે બુધવારના દિવસે ફરી એકવાર સુપ્રિમ કોર્ટથી આરોપીઓની કસ્ટડી માંગી હતી. પોલીસે કહ્યું હતું કે હાઉસ અરેસ્ટથી માત્ર શારીરીક મુવમેન્ટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોલીસે શંકા વ્યક્ત કરી હતી કે આરોપી ઘેરબેઠા પણ પુરાવાઓને નષ્ટ કરી શકે છે. સાથે સાથે બીજા સંભવિત આરોપીઓને એલર્ટ કરવાનું કામ પણ કરી શકે છે. મહારાષ્ટ્ર પોલીસે પોતાની એફિડેવિટમાં આક્ષેપ કર્યા હતા કે પાંચ કાર્યકરો સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના કાવતરામાં લાગેલા છે. સમાજમાં અરાજકતા ફેલાવવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. જેના ઉપર ૨૦૦૯માં પ્રતિબંધ મુકવામાં આવ્યા હતા.

હાઉસ અરેસ્ટ દરમિયાન આ આરોપી ભારે નુકસાન પહોંચાડી ચુક્યા છે. પોલીસે આ તર્કને આધાર તરીકે રજુ કરીને કહ્યું છે કે આરોપીઓને માત્ર નજરકેદ હેઠળ રાખવાથી કોઈ ફાયદો થનાર નથી. આરોપીઓની પાસે કોમ્પ્યુટર, લેપટોપ, પેનડ્રાઈવ અને મેમરી કાર્ડ મળી આવ્યા છે. જે સંકેત આપે છે કે આ લોકો સીપીઆઈ માઓવાદીઓના સક્રિય સભ્યો તરીકે રહ્યા છે. સમાજને અસ્તવ્યસ્ત કરવા માટેની ગતિવિધિઓમાં સામલે રહ્યા છે. પોલીસે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી કે સીલબંધ કવરમાં રજુ કરવામાં આવેલા પુરાવાને ધ્યાનમાં લેવામાં આવશે. પોલીસના કહેવા મુજબ પુરાવા એ તરફ ઈશારો કરે છે કે પાંચ આરોપીઓએ પોતાના કેડર્સને સંઘર્ષ ક્ષેત્રમાં ભૂમિગત થવા માટે કહ્યું હતું.

Share This Article