મહાગઠબંધનમાં જોડાવવાનો આમ આદમી પાર્ટીનો ઇન્કાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની સામે લોકસભાની ચૂંટણી પહેલા મહાગઠબંધનનો હિસ્સો બનવાનો સાફ ઇન્કાર કરી દીધા બાદ આને લઇને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલે કહ્યુ હતુ કે સામાન્ય પ્રજા અને વિકાસની સાથે તેમનુ ગઠબંધન છે.

કેજરીવાલે કહ્યુ હતુ કે જે પાર્ટીઓ મહાગઠબંધનમાં સામેલ થઇ રહી છે તે પાર્ટીઓની દેશના વિકાસમાં કોઇ ભૂમિકા રહી નથી. કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતા રાજ્યસભામાં નાયબ અધ્યક્ષની ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસ પાર્ટીની ટિકા કરતા નજરે પડ્યા હતા. કેજરીવાલે દાવો કર્યો હતો કે પહેલા રાષ્ટ્રપતિ ચૂંટણી અને ત્યારબાદ અવિશ્વાસ દરખાસ્ત વેળા તેઓએ કોંગ્રેસને સમર્થન આપ્યુ હતુ. માંગ કર્યા વગર સમર્થન આપવામાં આવ્યુ હતુ.

જો કે કોંગ્રેસે ક્યારેય સન્માનજનક વાત કરી ન હતી. સુત્રોના કહેવા મુજબ મહાગઠબંધનથી દુર રહેવાનો અર્થ કોંગ્રેસ પાર્ટી સાથે અંતર રાખવાનો રહ્યો છે. પાર્ટી નેતાઓને હવે લાગે છે કે કોંગ્રેસની સાથે દેખાવવાથી પાર્ટીને નુકસાન થઇ રહ્યુ છે. સાથે સાથે પાર્ટી કોર કેડરના લોકોને આ વાત પસંદ પડી રહી ન હતી. આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી દરમિયાન તેનુ મુખ્ય ધ્યાન દિલ્હી, પંજાબ અને હરિયાણા પર જ કેન્દ્રિત રાખનાર છે.

આ ઉપરાંત યુપીની દિલ્હી સાથે જોડાયેલી કેટલીક સીટો પર ધ્યાન આપનાર છે. મધ્યપ્રદેશની કેટલીક સીટો પર લડવાની પણતેની યોજના છે. પાર્ટી માને છે કે તેની ટક્કર દિલ્હી, પંજાબ અને હરિયાણામાં કોંગ્રેસ પાર્ટી સાથે છે. પાર્ટીના લોકો માને છે કે તેમને કોઇ ગઠબંધનની જરૂર દેખાઇ રહી નથી. પાર્ટી ભાજપ સામે એકલા હાથે લડી શકે છે.

Share This Article