*માનસ સદગુરુ* *મહેશ એન.શાહ* દિ-૯ તા-૧૯ માર્ચ કથા ક્રમાંક-૯૧૩
*૯૧૩મી રામકથાની સજળ પૂર્ણાહૂતિ;૯૧૪મી ચૈત્રી નવરાત્રિ રામકથા ૨૨ માર્ચથી નવસારીથી મંડાશે.*
*એરેન્જ મેરેજ સંસાર સાથે,લવ મેરેજ પરમાત્મા સાથે કરો.*
*આજની દુનિયાને સંવાદની જરૂર છે,વિવાદ આપણા સ્વાર્થ માટે આપણે ઊભા કરીએ છીએ.*
*માનસ સ્વયં સદગુરુ છે.*
*જ્યાં ચિત્ સ્થિર હોય અને વિત્ વિતરિત થતું હોય એ સદગુરુ છે.*
*બીજ પંક્તિ*
*નરતનુ ભવ બારિધિ કહું બેરો;*
*સન્મુખ મરૂત અનુગ્રહ મેરો.*
(ઉત્તરકાંડ ૪૩/૭)
*કરનધાર સદગુરુ દ્રઢ નાવા;*
*દુર્લભ સાજ સુલભ કરિ પાવા.*
(ઉત્તરકાંડ ૪૩/૮)
રણછોડદાસજી મહારાજની સેવાભૂમિ આનંદપુરથી પ્રવાહિત સદગુરુ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત રામકથાના પૂર્ણાહુતિ દિવસે બાપુએ કહ્યું ચારે યુવકો અને વડીલો તેમજ બાળકોને સાથી રાખીને આ મહત્વનું કાર્ય આરંભ્યું હતું.બધી જ સેવામયી ચેતનાઓને પ્રણામ કરી બાપુએ કહ્યું કે વિશેષ પ્રસંગોને ઇંગિત કરી ગઈકાલે રામરાજ્ય સુધી પહોંચ્યા.જે રામરાજ્યની મંગલમય કામના બધાની છે.વિશ્વવંદ્ય ગાંધીબાપુ પણ એની કામના કરતા હતા એ રામરાજ્યમાં છ મહિના વિત્યા પછી ભગવાન સાથે આવેલા મિત્રોને સન્માનિત કરી અને વિદાય આપે છે.માત્ર હનુમાનજી મહારાજ રોકાયા છે.અંગદની વિદાય ઉપર ખૂબ જ કરુણ પ્રસંગ બન્યો.અંગદ જાવા માગતો નથી ભગવાન કહે છે કે ઉત્તરદાયિત્વ પૂરું કરવા માટે બધાએ જવું પડશે.સરયૂ તીર પર હનુમાનજીને અંગદ કહે છે પાછળ ફરી-ફરીને જુએ છે હું તો નિરંતર યાદ કરીશ પણ રામરાજ્યમાં વ્યસ્ત ભગવાનને મારી યાદ અપાવતા રહેજો.આપણે પણ ભગવાનનું નામ લઈને પણ કર્તવ્ય ન કરીએ તો?
સેવા પૂજા કરો અને પોતાનું કર્તવ્ય પણ કરો. રામનું નામ અને રામનું કામ કરો.રામકાજ એ છે સમાજમાં દરિદ્ર ઉપેક્ષિત વંચિત ન હોય,ભેદની દીવાલો માટે વંચિતો વગેરેને પૂરેપૂરું સન્માન મળે,આવાસ અન્ન અને આરોગ્ય મળે.આજની દુનિયાને સંવાદની જરૂર છે,વિવાદ આપણા સ્વાર્થ માટે આપણે ઊભા કરીએ છીએ.આ પૂરેપૂરી સંવાદની કથા છે.તુલસીજીએ વિવાદ-દુર્વાદ કાઢી નાખ્યા છે. અંતિમ પ્રકરણમાં ગરુડ સાત પ્રશ્ન પૂછે છે.એ કથાનો સાર છે. અર્ક છે. બાપુએ કહ્યું કે એરેન્જ મેરેજ સંસાર સાથે લવ મેરેજ પરમાત્મા સાથે કરો.
*અગર તુમ્હારી કમીજ મેં જેબ હૈ*
*તો ખુદ કો સાધુ બતાના ફરેબ હૈ!*
પ્રેમ હશે ત્યાં રોમાંચ હશે,આંખોમાં પાણી હશે અને વાણી ગદગદ થશે.
ગરુડ કહે છે કે સૌથી શ્રેષ્ઠ શરીર કયું છે? સંત અને અસંતના લક્ષણો ક્યા?સૌથી દરિદ્ર કોણ છે? શ્રેષ્ઠ ધર્મ કયો છે?અને અધર્મ કયો છે? જેના ઉત્તરમાં કહે છે કે મન વચન અને કર્મથી લબાડ છે એ દરીદ્ર છે. *પરમ ધરમ શ્રુતિ બિદિત અહિંસા;*
*પર નિંદા સમ અઘ ન ગરીસા.*
સૌથી મોટું પુણ્ય અને સૌથી મોટું પાપ આ બધું કહી અને દસ માનસિક રોગ વિશે કહે છે.એ વખતે દસ રોગ દેખાયા હશે.વાત પિત્ત અને કફમાંથી પ્રગટેલા રોગ:મમતા-એ દાદનો-ધાધર નો રોગ છે. ઈર્ષા ખુજલી છે.હર્ષ અને શોક એ કંઠમાળ છે.રાજરોગ ક્ષય છે. દુષ્ટ મન અને કુટીલ મન રક્તપિત-કોઢ છે.
અહંકાર-ડમરૂઆની ગાંઠ,તેમજ નસ જકડાઈ જાય તૃષ્ણા એ પેટ વધી જવાનો-જલંધર રોગ છે.દાહ-બળતરા એ ત્રણ પ્રકારનો તાવ છે. મત્સર અને અવિવેક એ બે પ્રકારનો જવર છે.આ રોગના નિવારણ માટે શું કરવું? મુક્તિ માટે સદગુરુ જેવો વૈધ મળે અને એની બોલી ઉપર વિશ્વાસ થાય. બાપુએ કહ્યું માનસ સ્વયં સદગુરુ છે.પણ સદગુરુ પાસે પાંચ વસ્તુ હોય છે:ચિત્ ,વિત એટલે કે પૈસા (આંતરિક અને બાહ્ય સંપદા),ગીત,મીત અને પ્રીત હોય છે.જ્યાં ચિત્ સ્થિર હોય અને વિત્ વિતરિત થતું હોય એ સદગુરુ છે.આ રામકથાનું સુકૃત-સુફળ અર્પણ કરતા બાપુએ જણાવ્યું ચૈત્ર નવરાત્રિ આવે છે તો સમસ્ત કથા મધ્યપ્રદેશના પ્રદેશને સમર્પિત કરવામાં આવી.
આગામી ૯૧૪મી રામકથા ચૈત્ર નવરાત્રની સાથે જ નવસારી ખાતે ૨૨ માર્ચને બુધવારથી પ્રવાહિત થશે.જેનું જીવંત પ્રસારણ પહેલા દિવસે સાંજે ૪ વાગ્યાથી,બાકીનાં દિવસોમાં સવારે ૧૦થી આસ્થા ટીવી ચેનલ અને ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ દ્વારા થશે.
*દ્રષ્ટાંત કથા:*
એક શેઠને ત્યાં ચોકીદાર કામ કરતો હતો. રાત્રે ત્રણ વાગે શેઠને બહાર જવાનું થયું.ચોકીદારને ઉઠાડ્યો, દરવાજો ખોલ્યો.ચોકીદાર ત્યાં આગળ આવીને શેઠને કહ્યું,હાથ જોડ્યા,આજે રોકાઈ જાઓ આજે ન જતા, કોઈપણ ભોગે મારું માન રાખો,યાત્રા ન કરતા.શેઠને થયું કે અપશુકન થયા.એ રોકાઈ ગયા. સવારે ઊઠી અને છાપામાં સમાચાર વાંચ્યા કે જે ટ્રેનમાં જવાના હતા તેમાં અકસ્માત થયો છે. ઘણા લોકોના મૃત્યુ થયા છે.શેઠ બચી ગયા એની ખુશી થઈ.એણે સન્માન સમારંભ ગોઠવી અને નોકરનું સન્માન કર્યું ખૂબ જ ઇનામ આપ્યા પણ સાથે એક જાહેરાત પણ કરી કે આજથી ચોકીદારને નોકરીમાંથી બરખાસ્ત કરું છું! ચોકીદાર એ પૂછ્યું કે આટલું સરસ કરવું છતાં બરખાસ્ત કેમ કરો છો? શેઠે જણાવ્યું કે તને ખબર કેમ પડી કે મારી ટ્રેનને અકસ્માત થશે? ત્યારે ચોકીદારે કહ્યું કે મને સપનું આવેલું.શેઠ કહે સપનું ત્યારે જ આવે જ્યારે તું સૂઈ ગયો હોય.તારી નોકરી તો જાગવાની છે,સુવાની નથી તું તારી ફરજ ચુક્યો છો.તે મારો જીવ બચાવ્યો છે એ ભેટ સોગાત તો આપી શકીશ પણ નોકરી પર તને નહીં રાખી શકું.