નવીદિલ્હી : બિહારના મુજફ્ફરપુર અને ઉત્તરપ્રદેશના દેવરીયા જિલ્લાના શેલ્ટર હોમમાં રહેનાર બાળકીઓ સાથે જાતિય શોષણના મામલા સપાટી પર આવ્યા બાદ સરકાર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આના ભાગરૂપે ઓગસ્ટથી લઈને હજુ સુધી દેશમાં આશરે ૫૩૯ ચાઈલ્ડ કેર ઈન્સ્ટીટ્યુટ અથવા તો સંસ્થાઓને બંધ કરવામાં આવી ચુકી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે આ સંસ્થાઓને મંત્રાલયની નજર હેઠળ એક સોશિયલ ઓડિટ બાદ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. અધિકારીએ કહ્યું છે કે આ સંસ્થાઓને એટલા માટે બંધ કરવામાં આવી છે જે બાળકો માટે રહેવાની સ્થિતિ નથી તેના આધારે આને બંધ કરવામાં આવી છે. નિયમોનો સતત ભંગ કરવામાં આવી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં ૩૭૭ સીસીઆઈ બંધ થયા છે. જ્યારે બાકી રાજ્યોની સરખામણીમાં સૌથી વધારે સંખ્યા છે. મહારાષ્ટ્ર બાદ સૌથી વધારે સીસીઆઈ આંધ્રપ્રદેશમાં છે અને તેની સંખ્યા ૭૮ છે. તેલંગાણામાં ૩૨ આ પ્રકારની સંસ્થાઓ બંધ કરાઈ છે. જે અન્ય રાજ્યોમાં સીસીઆઈને બંધ કરાઈ છે તેમાં ઝારખંડ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સામેલ છે.
મુજફ્ફરપુર મામલો સપાટી પર આવ્યા બાદ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચે તમામ સીસીઆઈની સોશિયલ ઓડિટની પ્રક્રિયા હાથ ધરી હતી અને કહ્યું હતું કે નોંધણી વગર ચાલી રહેલી સંસ્થાઓને બે મહિનાની અંદર બંધ કરી દેવામાં આવશે. આ પહેલા કેન્દ્રિય મંત્રી મેનકા ગાંધીએ સીસીઆઈની દેખરેખ હેઠળ જિલ્લા સ્તર પર પગલા લેવા માટે સૂચના આપી હતી.