ભાવનગર: ભાવનગર શહેરના શિશુવિહાર સંસ્થાના પરિસરમાં સંસ્થાના સ્થાપક લોકસેવક માનભાઈ ભટ્ટની પુણ્ય સ્મૃતિમાં આયોજિત 35મો નાગરિક અભિવાદન સમારોહ બુધવારે પૂજ્ય મોરારિબાપુના પાવન સાનિધ્યમાં ભાવપૂર્ણ અને ગૌરવમય વાતાવરણમાં યોજાયો.
સમારોહ દરમિયાન ગુજરાતની કૃષિ અને ગ્રામ વિકાસ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર મનસુખભાઈ સુવાગીયા તથા બાંધકામ મજદૂરોને વિકાસની મુખ્ય ધારામાં જોડવા માટે સતત કાર્યરત ડૉ. જુઈનદત્તાનું રૂપિયા 50,000ની રકમ અને સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું.
ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ, તલગાજરડા તથા પૂજ્ય મોરારિબાપુના અનન્ય સ્નેહથી ભાવનગરની સેવા-સંસ્કાર ભૂમિ પર કુલ ૧૧૭ પ્રબુદ્ધ નાગરિકોનું અભિવાદન કરવામાં આવ્યું, જે કાર્યક્રમની વિશેષતા રહી. શિક્ષણ, આરોગ્ય, સેવા અને સામાજિક ક્ષેત્રે યોગદાન આપનાર સન્માનિત નાગરિકોના અભિવાદનથી સમારોહ ગૌરવપૂર્ણ બન્યો.
શિક્ષક સંસ્કાર વિચારને ગુજરાતભરમાં પ્રસરાવનાર ડૉ. અતુલભાઈ તથા રામકૃષ્ણ મિશન સાથે જોડાયેલા મમતાબેન પુરોહિતનું અભિવાદન શિક્ષકો અને તબીબો માટે પ્રેરણાસ્રોત બન્યું. ઉપરાંત, સરકારી વિભાગોમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી નિવૃત્ત થયેલા અને હાલ ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ-કુલપતિ તરીકે કાર્યરત ટી. એસ. જોશીનું વિનોદભાઈ ત્રિવેદી સ્મૃતિ અંતર્ગત વિશેષ અભિવાદન કરવામાં આવ્યું.
આ પ્રસંગે વંદે માતરમ શતાબ્દીના સંસ્કારોને બાળશિક્ષણ સાથે જોડવાના હેતુથી તૈયાર કરાયેલ વર્ષ ૨૦૨૬નું ચિત્ર કેલેન્ડર ‘શ્રમનું ગૌરવ’ તથા તેના 12 બાળ કલાકારોનું પણ સન્માન કરવામાં આવ્યું. સાથે જ શિશુવિહાર સંસ્થાના નવા તાલીમ ભવનનું ઉદ્ઘાટન પૂજ્ય મોરારિબાપુના કરકમળે કરવામાં આવ્યું.
સમારોહને સંબોધતાં પૂજ્ય મોરારિબાપુએ રામજી મંદિર સાથે જોડાયેલી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને સંતવાણીના સંદર્ભમાં માનવ જીવનના મૂળભૂત મૂલ્યો પર વિશેષ પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે માતા, પિતા, આચાર્ય, અતિથિ અને ઈશ્વર—આ પાંચ દેવત્વ માનવ જીવનની આધારશિલા છે અને તેમનું સન્માન માત્ર વિધિ નહીં પરંતુ જીવનમાં ઉતારેલી સેવા હોવી જોઈએ.
મોરારિબાપુએ કહ્યું કે સાચી સાધના સંયમ, સ્વચ્છતા, નિયમિતતા અને નિષ્કામ સેવાથી સિદ્ધ થાય છે. સમાજમાં આધ્યાત્મિક ચેતના જાગૃત રાખવા માટે દરેક વ્યક્તિએ પોતાના કર્તવ્યને સમજી લોકહિતમાં કાર્ય કરવું જરૂરી છે.
તેમણે ઉમેર્યું કે સન્માન અને પ્રતિષ્ઠા પ્રચારથી નહીં પરંતુ સતત સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે, જેનો સંદેશ ગાંધીજીના જીવનમાંથી પણ મળે છે.
મહેસાણા જિલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલા આધ્યાત્મિક અને સામાજિક કાર્યક્રમમાં મોરારિબાપુએ ગરીબોની સેવા ને સાચો ધર્મ ગણાવી, સમાજના છેલ્લાં વ્યક્તિથી ધર્મની શરૂઆત થવી જોઈએ તેમ જણાવ્યું. પ્રવચનમાં જાતિવાદનો ત્યાગ કરી માનવતાને સર્વોપરી માનવાની અપીલ સાથે ‘આત્મદીપો ભવ’ના સંદેશ દ્વારા શ્રદ્ધા અને વિશ્વાસથી આંતરિક જ્યોત જાગ્રત રાખવાની પ્રેરણા આપવામાં આવી.
બુધવારે સાંજે યોજાયેલા આ સમારોહમાં મોટી સંખ્યામાં નાગરિકો, શિક્ષણપ્રેમીઓ અને સંસ્થાના સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
