નવીદિલ્હી : કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય વર્ગ માટે ૧૦ ટકા અનામતની વાત કરવામાં આવ્યા બાદ દેશના ખ્રિસ્તી અને મુસ્લિમ સમાજના ગરીબને પણ આનો લાભ મળશે. આ અંગેની માહિતી સામાજિક કલ્યાણ મંત્રી થાવરચંદ ગહેલોત દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસ્તાવને મંજુરી આપનાર ૧૨૪માં બંધારણીય સુધારા બિલને રજૂ કરતા ગહેલોતે કહ્યું હતું કે, આ હેઠળ તમામ વર્ગના લોકોને આવરી લેવામાં આવશે.
અનામતનો આધાર સામાજિક અને શૈક્ષણિક નહીં બલ્કે આર્થિક રહેશે. પોતાના ભાષણમાં ડાબેરીઓએ કહ્યું હતું કે, ચૂંટણીના સમયે આ બિલ લાવવામાં આવ્યું છે. ટીઆરએસના સાંસદ જીતેન્દ્ર રેડ્ડીએ કહ્યું હતું કે, અનામત નક્કી કરવાનો અધિકાર રાજ્ય સરકારોને આપવામાં આવે તે જરૂરી છે. તૃણમુલ કોંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાયે ગરીબોના અનામત ઉપર ચર્ચા દરમિયાન મુદ્દો ઉઠાવ્યો હતો. અન્નાદ્રમુકના થાંભી દુરાઈએ કહ્યું હતં કે, સામાજિક આધાર પર અનામત મળે તે જરૂરી છે.