મુંબઈ: મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં મરાઠા અનામતને લઇને શરૂ થયેલા વિરોધ પ્રદર્શનની આગ હવે ધીમે ધીમે મુંબઈ તરફ વધી રહી છે. મરાઠા ક્રાંતિ સમાજે બુધવારે થાણે, નવી મુંબઈ અને રાયગઢમાં બંધનું એલાન આપ્યું છે. સંગઠનના કહેવા મુજબ આ બંધમાં સ્કુલ અને કોલેજને સામેલ કરવામાં આવશે નહીં.
મરાઠાઓના વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થિતિ વણસી રહી છે. મરાઠા સમુદાયે રાજ્ય સરકારને હજુ સુધી કોઇ ભરતી નહીં કરવાની પણ માંગ કરી છે. જ્યાં સુધી નોકરીમાં તેમને અનામતની માંગ સ્વીકારવામાં આવશે નહીં ત્યાં સુધી ભરતી ન કરવા માટે કહેવામાં આવ્યું છે.
ઔરંગાબાદમાં સરકારી બસોની સેવા બંધ કરી દેવામાં આવી છે. ભાજપ અને શિવસેના બંને ખુબ જ સાવધાનીપૂર્વક આ મામલામાં આગળ વધી રહ્યા છે. જા કે, મુંબઈ સુધી મરાઠા આંદોલનની આગ પહોંચ્યા બાદ દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં સુરક્ષા મજબૂત કરાઈ છે.