અમદાવાદ : રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટના બે કોરિડોર પૈકી થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીના કોરિડોરમાં ૧૪.૪૦૨ કિ.મી. લંબાઈ ધરાવતો એલિવેટેડ કોરિડોર તેમજ ૬.૩૬ કિ.મી. લંબાઈ ધરાવતો અંડરગ્રાઉન્ડ કોરિડોર મળીને કુલ ૨૦.૭૪ કિ.મી. લંબાઈના કોરિડોરમાં લાંબા સમયથી થલતેજ ચાર રસ્તાથી થલતેજ ગામ સુધીના કોરીડોરના નિર્માણના મામલે ભારે વિવાદ ઊઠ્યો છે, જા કે,મેટ્રો રેલ પ્રોજેક્ટનો હવાલો સંભાળતી મેગા કંપનીએ છેલ્લા બે દિવસથી થલતેજ ચાર રસ્તાથી થલતેજ ગામ સુધી કોરિડોરના નિર્માણ હેતુ બેરિકેડ લગાવવાની કામગીરીનો પ્રારંભ કરતાં અનેક તર્ક-વિતર્ક ઊઠ્યા છે. તો બીજીબાજુ, સ્થાનિક રહીશો અને દુકાનદારો, વેપારીઓમાં મેટ્રો રેલના પ્રોજેક અનુસંધાનમાં કપાતને લઇ ભારે ચિંતા ફેલાઇ છે.
મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળના થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીના કોરિડોરમાં ઠેર ઠેર એક અથવા બીજા પ્રકારની કામગીરી ચાલી રહી છે, તેમાં પણ વસ્ત્રાલ ગામથી કાંકરિયા એપરલપાર્ક સુધીના પાઇલટ પ્રોજેક્ટ હેઠળ મેટ્રો રેલ ઝડપભેર દોડતી કરવા માટે સમગ્ર તંત્ર કામે લાગ્યું છે. જા કે, આ કોરિડોરમાં થલતેજ ચાર રસ્તાથી થલતેજ ગામ સુધીનો કોરિડોર રસ્તાની પહોળાઈના વિવાદમાં સપડાયો છે. આ પ્રોજેક્ટના અસરગ્રસ્તો સત્તાવાળાઓ સમક્ષ રસ્તાની જમણી બાજુએ એટલે કે તળાવ અને પંચાયત ઓફિસ છે તે બાજુ વધારે કપાત કરવાની બાબત પર વારંવાર ભાર મૂકી રહ્યા છે.
ગત તા.૨૯ ઓક્ટોબરે થલતેજ મેટ્રો રેલના અસરગ્રસ્તોએ કપાત અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. દરમિયાન છેલ્લા બે દિવસથી આ સમગ્ર કોરિડોર પર તંત્ર દ્વારા એસઆરપીની ટુકડી સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ બેરિકેડ લગાવાઈ રહ્યાં છે, જે અંગે થલતેજ ઘર-દુકાન બચાવો સમિતિ રચાઇ છે, જેનું કહેવું છે કે, સત્તાવાળાઓએ અમારી એક પણ દુકાન કે મકાનમાં કોઈ તોડફોડ નહીં કરવાની અમને ખાતરી આપી છે, જોકે આ બાબતે અસરગ્રસ્તો બે-ત્રણ દિવસમાં મેગા કંપનીના ઉચ્ચ અધિકારીઓને મળશે અને પોતાની રજૂઆત કરશે. બીજીબાજુ, સ્થાનિક રહીશો અને વેપારીઓ પણ કપાત મામલે ભારે ચિંતા અનુભવી રહ્યા છે, તેથી આ મામલે સત્તાધીશો યોગ્ય અભિગમ અપનાવે તેવી માંગ કરી રહ્યા છે.