નવી દિલ્હી : પુલવામામાં ત્રાસવાદી હુમલાને ભારતે આજે આખરે બદલો લીધો હતો. પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. વહેલી પરોઢે હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદ આ સફળ ઓપરેશન અંગે મોડેથી ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ હવાઈ હુમલા પાછળના કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હવાઈ દળના ભીષણ હુમલા અંગે માહિતી આપતા વિદેશ સચિવ ગોખલેએ કહ્યું હતું કે, આ હવાઈ હુમલામાં ત્રાસવાદીઓને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ગુપ્ત માહિતીના આધાર પર ભારતે જૈશના અડ્ડાઓ ઉપર નોન મિલિટ્રી એક્શન હેઠળ આ કાર્યવાહી કરી હતી. ગોખલેએ કહ્યું હતું કે, જૈશના ત્રાસવાદીઓ ભારતમાં વધુ હુમલાઓ કરી શકે છે અને આની ટ્રેનિંગ ત્રાસવાદી આકાઓ દ્વારા આપવામાં આવી રહી છે તેવી બાતમી મળ્યા બાદ ભારતને હુમલા કરવાની જરૂરિયાત દેખાઈ રહી હતી. બાલાકોટમાં જૈશના ટ્રેનિંગ કેમ્પ ઉપર હુમલા કરવામાં આવ્યા છે જેમાં અનેક મોટા આતંકવાદીઓ, સિનિયર કમાન્ડરો અને જેહાદીઓના મોત થયા છે. વિદેશ સચિવ ગોખલેએ કહ્યું હતું કે, ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે પુલવામામાં ત્રાસવાદી હુમલામાં જૈશનો હાથ હતો.
આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. એવી સૂચના મળી રહી હતી કે, જૈશના ત્રાસવાદીઓ વધુ આત્મઘાતી હુમલા કરવાના પ્રયાસમાં છે. જૈશે પાકિસ્તાનમાં છેલ્લા ૨૦ વર્ષથી આતંકવાદી કાવતરા ઘડ્યા હતા પરંતુ પાકિસ્તાન દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી ન હતી. જૈશના લીડર મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવી ચુક્યો છે. જૈશે ૨૦૦૧માં ભારતીય સંસદ પર અને જાન્યુઆરી ૨૦૧૬માં પઠાણકોટમાં મોટો હુમલો કર્યો હતો. પાકિસ્તાને આ સંગઠનના સંદર્ભમાં તથા કાર્યવાહી કરવા માટે વારંવાર કહેવામાં આવ્યું હતું પરંતુ પાકિસ્તાન તરફથી કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી ન હતી.
ગોખલેએ કહ્યું હતું કે, ભારત સ્પષ્ટપણે માની રહ્યું હતું કે, પાકિસ્તાનના સંરક્ષણ વગર આટલી મોટી સંખ્યામાં જેહાદીઓ જન્મી શકે નહીં. ગોખલેએ માહિતી આપતા કહ્યું હતું કે, ગુપ્ત માહિતી એકત્રિત કરાયા બાદ ભારતે નોન મિલિટ્રી એક્શનની તૈયારી કરી હતી. ત્યારબાદ જૈશના કેમ્પોને ફૂંકી મારવામાં આવ્યા હતા. હવાઈ હુમલા દરમિયાન આ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે, સામાન્ય નાગરિકોને કોઇપણ પ્રકારનું નુકસાન ન થયા. આતંકવાદીઓની સામે આજે વહેલી પરોઢે વન્ય વિસ્તારમાં હુમલા કરાયા હતા. બાલાકોટમાં જૈશના ત્રાસવાદી કેમ્પો મસુદ અઝહર દ્વારા ચલાવવામાં આવે છે. અહીં મૌલાના યુસુફ અઝહરને મુખ્ય જવાબદારી સોંપવામાં આવી હતી. પાકિસ્તાન પોતાની જમીનથી સક્રિય થયેલા ત્રાસવાદીઓ સામે કોઇ પગલા લઇ રહ્યું ન હતું જેથી ભારતે આખરે સુરક્ષાના કારણોસર આ હુમલા કર્યા છે.