આતંકવાદી હવે શરણે થવાના બદલે મોત પસંદ કરી રહ્યા છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં સેના અને સુરક્ષા દળો દ્વારા ત્રાસવાદીઓ સામે છેલ્લા બે વર્ષમાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં કુખ્યાત ત્રાસવાદીઓને મોતને ઘાટ પણ ઉતારી દેવામાં આવ્યા છે છતાં ત્રાસવાદી ગતિવિધી હજુ જારી છે. પહેલા ઉરી અને ત્યારબાદ પુલવામા ખાતે ત્રાસવાદીઓના ભીષણ હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદીઓની સામે કાર્યવાહી કરી હોવા છતાં ત્રાસવાદનો હજુ અંત આવ્યો નથી. વર્ષોથી સક્રિય ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહીદ્દીનમાં સામેલ થઇ રહેલા કાશ્મીરી યુવાનો રાજ્યમાં હિઝબુલ અને તોયબાના સક્રિય વિદેશી ત્રાસવાદીઓ કરતા વધારે કટિબદ્ધ દેખાઇ રહ્યા છે. સાથે સાથે ત્રાસવાદીઓમાં સામેલ થયેલા કાશ્મીરી યુવાનો હાલમાં વધારે ખતરા ઉઠાવી રહ્યા છે.

એવો પ્રવાહ પણ હાલમાં જોવા મળ્યો છે કે સુરક્ષા દળો દ્વારા ચારેબાજુથી ઘેરાઇ જવાની સ્થિતીમાં ત્રાસવાદીઓ હવે શરણાગતિ સ્વિકાર કરવાના બદલે મોત વધારે પસંદ કરી રહ્યા છે. એવુ જાણવા મળ્યુ છે કે ત્રાસવાદી સંગઠનોમાં સામેલ થયેલા કાશ્મીરી યુવાનો વધારે આત્મઘાતી હુમલા કરી રહ્યા છે અને સુરક્ષા દળો દ્વારા ચારેબાજુથી ઘેરાઇ જવાની સ્થિતીમાં શરણાગતિ સ્વીકાર કરવાના બદલે મોત પસંદ કરી રહ્યા છે. એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ આજે આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે ત્રાસવાદીઓના આ પ્રકારના વર્તનના કારણે સુરક્ષા દળો ચોક્કસપણે ચિંતિત છે.

અગાઉ પુલવામામાં સીઆરપીએફના કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો.એ વખત સુધી આત્મઘાતી હુમલો જેશ અને તોયબાના ખાસ રીતે ટ્રેનિંગ પામેલા વિદેશી ત્રાસવાદીઓ દ્વારા જ કરાવવામાં આવતો હતો. બીજી  ચિંતા ઉપજાવે તેવી બાબત એ છે કે સુરક્ષા દળો દ્વારા ચારેબાજુથી ઘેરાઇ જવાની સ્થિતીમાં ત્રાસવાદીઓ શરણાગતિ સ્વીકારતા નથી. ગોળીથી મરવાનુ પસંદ કરી રહ્યા છે. સ્થાનિક ત્રાસવાદીઓ તો પોતાના પરિવારની પણ હવે સાંભળતા નથી. કાશ્મીરી યુવાનો હથિયાર ઉઠાવવા માટે પોતાની નોકરીને પણ દાવ પર મુકવા માટે તૈયાર છે. ગયા વર્ષે ૨૦૩ અને આ વર્ષે હજુ સુધી ૬૦ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા બાદ હજુ મોટા પાયે ભરતી કરવામાં આવી રહી છે. જે ગતિથી ત્રાસવાદીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે તે ગતિથી જ નવી ભરતી પણ કરવામાં આવી રહી છે. ત્રાસવાદીઓ સામે દળોએ ઓપરેશન ઓલઆઉટ હાથ ધર્યા બાદ ત્રાસવાદીઓ માર્યા ગયા છે.

Share This Article