નવી દિલ્હી : સંયુક્ત અરબ અમિરાતે વધુ એક ખતરનાક ત્રાસવાદીને ભારતને સોંપીને મોટો દાખલો બેસાડ્યો છે. આ વખતે યુએઇ દ્વારા પાકિસ્તાન સ્થિત ત્રાસવાદ સંગઠન જેશે મોહમ્મદના સભ્ય નિસાર અહેમદ તાંત્રેને ભારતને સોંપી દેવામાં આવ્યો છે. જેશનો આ ત્રાસવાદી જમ્મુ કાશ્મીના લેથપોરા સ્થિત સીઆરપીએફ કેમ્પ પર ડિસેમ્બર ૨૦૧૭માં થયેલા હુમલામાં મુખ્ય કાવતરાખોર તરીકે હતો. ૩૦-૩૧ ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે કરવામાં આવેલા હુમલામાં પાંચ સુરક્ષા જવાનો શહીદ થયા હતા.
એ વખતે ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. નિસાર જેશના દક્ષિણ કાશ્મીરના ડિવીઝનલ કમાન્ડર નુર તાંત્રેનો બાઇ છે. નિસારને રવિવારના દિવસે ખાસ વિમાન મારફતે દિલ્હી લાવવામાં આવ્યો હતો. તેને એનઆઇએને સોંપી દેવામાં આવ્યો છે. એનઆઇએની ટીમ હાલમાં લેથપોરા હુમલાના મામલે તપાસ કરી રહી છે.
એનઆઇએ કોર્ટ દ્વારા તેની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યુ હતુ. જેના આધાર પર તેની ધરપકડ કરવામાં આવી છે. એમ માનવામાં આવે છે કે ત્રાસવાદીઓની ભરતીમાં પણ તે સામેલ હતો. સંયુક્ત અરબ અમિરાત દ્વારા તેને હવે ભારતને સોંપી દીધો છે. હુમલાને અંજામ આપવામાં આવ્યા બાદ તે ફરાર થઇ ગયો હતો. નુર તાંત્રે ખીણમાં જારદાર રીતે સક્રિય થયેલો હતો. તેને ડિસેમ્બર ૨૦૧૭માં એક એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવામાં આવ્યોહતો. છેલ્લા કેટલાક વર્ષોમાં ત્રાસવાદ સામેની લડાઇમાં યુએઇ સૌથી આગળ રહેલા દેશોમાં સામેલ છે. ઓગષ્ટા વેસ્ટ લેન્ડના આરોપીને પણ તેના દ્વારા ભારતને સોંપી દેવામાં આવ્યો છે.