ઉરી અને પુલવામા ખાતે ત્રાસવાદી હુમલા કરવામાં આવ્યા બાદ ભારત દ્વારા પાકિસ્તાનમાં ઘુસીને બે વખત ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે ત્રાસવાદીઓ હજુ પણ મોટા પાયે સક્રિય રહ્યા છે. વારંવાર હુમલા કરવામા ંઆવી રહ્યા છે.જે સંકેત આપે છે કે હજુ ત્રાસવાદનો અંત લાવવા માટે ભારે મહેનત કરવી પડશે. પાકિસ્તાન ઉપર વૈશ્વિક દબાણ હોવા છતાં નવી ઇમરાન સરકાર પણ ઉદાસીન દેખાઇ રહી છે. ઇમરાન સરકાર સત્તારૂઢ થઇ હોવા છતાં તેના ઇરાદા પણ અગાઉની સરકારો જેવા જ રહ્યા છે. ત્રાસવાદ પ્રત્યે તેનુ વલણ બદલાયુ નથી. ઇમરાન ખાનના નેતૃત્વમાં નવી સરકાર પણ પાકિસ્તાનમાં સક્રિય ત્રાસવાદીઓ પર મહેરબાન દેખાઇ રહી છે. આજ કારણસર આગામી દિવસોમાં ભારતને વધારે મુશ્કેલી નડી શકે છે.
ઇમરાન ખાનની સરકારે હવે ભારતમાં અનેક હુમલા માટે જવાબદાર ખતરનાક ત્રાસવાદી હાફિજ સઇદના સંગઠનોને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાંથી દુર કરી લીધા છે. જે સાબિત કરે છે તે ત્રાસવાદને લઇને ગંભીર નથી. તેને ભારત સાથે સંબંધ સુધારીને આગળ વધવામાં પણ કોઇ રસ નથી. ત્રાસવાદના મામલે વિશ્વના દેશોની આંખમાં ધુળ નાંખવાની પ્રક્રિયા પાકિસ્તાને જારી રાખી છે. પાકિસ્તાનના કૃત્યો તમામ દેશોને દેખાઇ રહ્યા હોવા છતાં નક્કર પગલા અમેરિકા સહિતના દેશો દ્વારા લેવામાં આવી રહ્યા નથી.ત્રાસવાદના દુષણના કારણે આજે અમેરિકા, યુરોપના તમામ દેશો અને ભારત ભારે પરેશાન છે પરંતુ આને મક્કમતા સાથે રોકવામાં દશકોથી સફળતા મળી રહી નથી. ત્રાસવાદ પર અંકુશ ન આવવા માટે કેટલાક કારણો તો દેખીતા છે.
જે પૈકી એક કારણ તો ત્રાસવાદને પોતાની નીતિ મુજબ ગણવાની બાબત છે. બીજી બાજુ સારા અને ખરાબ ત્રાસવાદને લઇને વિશ્વના દેશો દલીલો કરતા રહ્યા છે. અમેરિકા અને અન્ય દેશો પોતાની સ્વાર્થી નિતીના કારણે ત્રાસવાદને કાબુમાં લઇ શક્યા નથી. જેના પરિણામે હવે તેમની પણ દુનિયામાં ટિકા થઇ રહી છે. ત્રાસ દુષણને રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને લઇને હવે પ્રશ્નો ઉઠવા લાગી ગયા છે. કારણ કે સંયુક્ત રાષ્ટ્રના પછપાતી વલણને હવે વિશ્વના દેશો પણ જાણી ગયા છે. જાણકાર પંડિતો પણ કહે છે કે સંયુક્ત રાષ્ટ્ર માત્ર અમેરિકાના ઇશારે જ ચાલે છે. વિશ્વના અન્ય જે દેશો ત્રાસવાદના શિકાર છે તેમના પ્રત્યે સંયુક્ત રાષ્ટ્રનુ ઉદાસીન વલણ રહ્યુ છે.
યુરોપિયન દેશો પ્રત્યે સંયુક્ત રાષ્ટ્ર ગંભીર રહે છે જ્યારે અન્ય દેશો તરફ ધ્યાન અપાતુ નથી. તેના આવા વલણના કારણે જ ત્રાસવાદીઓ તેમના ફેલાવાને વધારી દેવામાં સફળ રહ્યા છે. આઇએસ , લશ્કરે તોયબા અને જેશ જેવા ખતરનાક ત્રાસવાદી સંગઠન તેના વલણના કારણે જ વધુ રક્તપાત સર્જી શક્યા છે. અમેરિકાની એકતરફી રીતે તરફેણ કરવામાં આવી છે. તેના આવા ખતરનાક વલણના કારણે જ ત્રાસવાદ ખતમ થવાના બદલે હવે વધારે ખતરનાક સ્વરૂપમાં છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન સહિતના પાંચ મોટા દેશોમાં જ્યારે પણ કોઇ ત્રાસવાદી હુમલો થાય છે ત્યારે દુનિયાને માથે લઇ લેવામાં આવે છે પરંતુ ભારત સહિતના દેશો જ્યારે ત્રાસવાદનો શિકાર થાય છે ત્યારે તેની તરફ ધ્યાન અપાતુ નથી.