અયોધ્યા ત્રાસવાદી હુમલાના  કેસમાં ચાર ત્રાસવાદીને સજા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અયોધ્યા : ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામજન્મભૂમિ સંકુલમાં વર્ષ ૨૦૦૫માં થયેલા આતંકવાદી હુમલાના મામલામાં પ્રયાગરાજની સ્પેશિયલ કોર્ટે આજે સજાની જાહેરાત કરી હતી. કોર્ટે મામલામાં દોષિત જાહેર કરવામાં આવેલા પાંચમાંથી ચાર આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી જ્યારે એક આરોપીને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો હતો. સ્પેશિયલ જજ એસસી-એસટી દિનેશચંદ્રની કોર્ટમાં બંને પક્ષોની ચર્ચા ૧૧મી જૂનના દિવસે પરિપૂર્ણ કરી દેવામાં આવી છે.

સુનાવણી દરમિયાન ૬૩ સાક્ષીઓના નિવેદન દાખલ કરવામાં આવ્યા બાદ કોર્ટે ચુકાદો સંભળાવવા માટેની તારીખ આજની નક્કી કરી હતી. મજબૂત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રયાગરાજની મેની સેન્ટ્રલ જેલના અસ્થાયી સ્પેશિયલ કોર્ટમાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો જ્યાં પાંચેય ત્રાસવાદીઓને રાખવામાં આવેલા છે. પાંચ આતંકવાદીઓ પૈકીના ચારને આજીવન કારાવાસની સજા ફટકારી દેવામાં આવી છે. પાંચ ત્રાસવાદીઓમાં ઇરફાન, મોહમ્મદ શકીલ, મોહમ્મદ નસીમ, મોહમ્મદ અઝીઝ અને આશીફ ઇકબાલ ઉર્ફ ફારુકનો સમાવેશ થાય છે.

અત્રે નોંધનીય છે કે, આતંકવાદીઓએ પાંચમી જુલાઈ ૨૦૦૫ના દિવસે સવારે ૯.૧૫ વાગ્યાની આસપાસ અયોધ્યા Âસ્થત રામજન્મભૂમિ સંકુલની બેરિકેડિંગની નજીક અને સંકુલમાં અતિઆધુનિક હથિયારો સાથે અંંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સાથે સાથે બોંબ બ્લાસ્ટ પણ કર્યા હતા. આમા ડ્યુટીમાં તૈનાત રહેલા સુરક્ષા દળના અનેક જવાન ઘાયલ થઇ ગયા હતા. જવાબી કાર્યવાહીમાં જવાનોએ પાંચેય ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મોડેથી અન્ય પાંચ આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. આ હુમલામાં બે નાગરિકોના મોત થયા હતા જ્યારે અન્ય સાત લોકો ઘાયલ થયા હતા. અયોધ્યામાં આતંકવાદી હુમલાથી દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. અયોધ્યામાં ત્રાસવાદી હુમલા મામલે ચુકાદા પર નજર હતી.

Share This Article