પાકિસ્તાને પહેલાથી જ જો ત્રાસવાદી ગતિવિધીઓ પર પ્રતિબંધ મુકવા અને અંકુશમાં લેવા માટેની કાર્યવાહી કરી હોત તો તેના પર ત્રાસવાદને સમર્થન આપનાર દેશ તરીકે કલંક લાગ્યુ ન હોત. પાકિસ્તાનના ઇતિહાસને ધ્યાનમાં લેવામાં આવે તો હજુ તેના પર અને તેના પગલા પર નજર રાખવાની જરૂર છે. કારણ કે વિતેલા વર્ષોમાં પાકિસ્તાનમાં ક્યારેય કુખ્યાત ત્રાસવાદીઓ અને અપરાધીઓ સામે પગલા લેવામાં આવ્યા નથી. ત્રાસવાદીઓ સ્વતંત્ર રીતે જાહેરમાં ફરતા જોઇ શકાય છે. સૌથી મોટા દાખલા તરીકે તો એ છે કે અલ કાયદાના લીડર ઓસામા બિન લાદેન પણ પાકિસ્તાનમાં જ રંગે હાથ ઝડપાયો હતો.
અમેરિકાએ મોટુ કમાન્ડો ઓપરેશન પાર પાડીને તેને ઠાર કર્યો હતો. અમેરિકા અને ફ્રાન્સ દ્વારા તેના પ્રત્યે કઠોર વલણ અપનાવવામાં આવ્યા બાદ તેના વલણમાં ફેરફાર જોઇ શકાય છે. જો કે પાકિસ્તાન પર સતત દબાણ રાખવાની જરૂર છે. પાકિસ્તાન સરકારને પણ આ વાત સારી રીતે સમજી લેવાની જરૂર છે કે હવે જો તે ત્રાસવાદીઓ સામે બનાવટી કાર્યવાહી કરશે તો તેની મુશ્કેલીમાં વધુ વધારો થઇ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ત્રાસવાદી જાહેર કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં મુશ્કેલી સર્જાઇ ગઇ છે.
પાકિસ્તાનમાં ૨૨થી વધારે ત્રાસવાદી સંગઠનો શરણ લઇ ચુક્યા છે. પાકિસ્તાનને હવે તમામ સંગઠનો અને તેમના આકાઓ સામે કાર્યવાહી કરવી જોઇએ. ઇમાનદારી સાથે કાર્યવાહી કરવાની જરૂર પાકિસ્તાનને પડશે. જો પાકિસ્તાન હવે ઇમાનદારીથી કોઇ પગલા નહીં તે તો નજીકના ભવિષ્યમાં તેના પર ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા પણ પગલા લેવામાં આવી શકે છે. પાકિસ્તાન સામે પગલા લેવા માટેની તમામ નીતિ તૈયાર રાખવામાં આવી છે. પાકિસ્તાનમાં હજુ ખુંખાર ત્રાસવાદીઓ રહેલા છે.