કપડવંજ તાલુકાના લાલ માંડવામાં મંગળવારે પાંચ વ્યક્તિઓ અને બે શ્વાનને હડકાયા શ્વાને બચકાં ભર્યા હતા. નજીકના ગામ ભોજાના મુવાડામાં પણ બે પશુઓને હડકાયું કુતરૂં કરડયું હતું. ભોગ બનનારા દર્દીઓને ગાંધીનગર અને નડિયાદ રિફર કરાયા હતા.
કપડવંજ તાલુકામાં હડકાયા શ્વાન કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા કપડવંજ તાલુકાના વડોલ ગામમાં એક્ જ રાતમાં 40 ગ્રામજનોને હડકાયા શ્વાન કરડયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ આંતર સુબા તેમજ આસપાસના વિસ્તારોમાં ઓગસ્ટ મહિનામાં 12 લોકોને શ્વાન કરડવાના કિસ્સા નોંધાયા હતા. તે પછી ફરી વડોલ ગામમાં સાત લોકોને શ્વાને બચકાં ભર્યા હતા. જ્યારે તા. 24મીને મંગળવારે કપડવંજ તાલુકાના લાલ માંડવામાં અંદાજે 11 વાગ્યાંના સુમારે પાંચ વ્યક્તિઓ અને બે શ્ચાનને તેમજ નજીકના ગામ ભોજાના મુવાડામાં બે પશુઓને હડકાયું શ્ચાન કરડયું હોવાનું બહાર આવ્યું છે. જ્યારે જે પાંચ વ્યક્તિઓને શ્ચાને બચકાં ભર્યા હતા તેમને નીરમાલી પીએચસી સેન્ટર લઈ જવાયા હતા. બાદ ત્યાંથી દર્દીઓને રીફર કરતા ગાંધીનગર તેમજ નડિયાદ ખાતે સારવાર કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. હાલ કપડવંજ તાલુકાના ગામડાઓમાં હડકાયાં કુતરાંઓના આતંકથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે. ત્યારે તાલુકામાં હડકાયા શ્વાન કરડવાની રસી ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી.