નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યા બાદ હવે અલગતાવાદીઓ પર સકંજા મજબુત કરવાની તૈયારી કરવામાં આવી છે. ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગ હેઠળ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ અંગે માહિતી ધરાવનાર એનઆઇએ અને ઇડી દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવનાર છે. કેન્દ્રિય ગૃહ સચિવ રાજીવ ગૌબાના નેતૃત્વમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઇએ)ના મહાનિર્દેશક યોગેશ ચંદર મોદી, ઇડીના નિર્દેશક કરનાલ સિંહ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ સામેલ રહ્યા હતા. આ બેઠક ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. કારણકે કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યા બાદ થઇ છે. ત્યારબાદથી રાજ્યમાં સક્રિય ત્રાસવાદીઓની સામે કાર્યવાહી પણ તીવ્ર બની ગઇ છે.
અત્રે નોંધનીય છે કે ખીણમાં કથિતરીતે ટેરર ફંડિંગના એક મામલામા એનઆઇએ દ્વારા પહેલા જ દિલ્હી કોર્ટમાં ટેરર માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ અને સૈયદ સલાઉદ્દીન સહિત૧૦ કાશ્મીરી અલગતાવાદીઓની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ફાઇનલ રિપોર્ટમાં હુરિયત નેતા સૈયદ શાહ ગિલાનીના જમાઇ અહેમદ શાહ, ગિલાનીના અંગત સહાયક બશીર અહેમદ, આફતાબ અહેમદ શાહ, નઇમ અહેમદ ખાન અને ફારૂખ અહેદમ ડાર જેવા નેતાઓના નામ સામેલ છે. અત્રે નોંધનીય છે કે ઇડી જમ્મુ કાશ્મીરમાં ફેમા અને પીએમએલએ હેઠળ ટેરર ફંડિંગ સાથે જાડાયેલા મામલામાં તપાસ કરી રહી છે.