રાજસ્થાનના ઉદયપુર શહેરની પીએનબીની એક બ્રાન્ચમાંથી અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક લોકરમાં રાખેલા લાખો રૂપિયાને ઉધઈ ખાઈ ગઈ હતી. બેન્કમાં રાખેલા રૂપિયાની આ દુર્દશા વિશે ત્યારે ખબર પડી, જ્યારે લોકરનો માલિક બેન્કમાં પહોંચ્યો. જ્યારે ગ્રાહકે રૂપિયા કાઢવા માટે લોકરમાં પોતાની જમા રકમની આ હાલત જોઈ તો, ગ્રાહકો બેન્કમાં હોબાળો મચાવ્યો. બેન્ક મેનેજર પણ નોટોની હાલત જોઈને ચોંકી ગયો હતો. જો કે, ગ્રાહકની ફરિયાદ અને હોબાળા બાદ બેન્ક અધિકારીઓએ બેન્ક લોકરના માલિકના તમામ પૈસા પરત કરી દીધા હતા. પણ ત્યાં સુધીથી લોકરના માલિકની હાલત જોવા જેવી હતી. આ ઘટના બાદ બેન્ક પ્રશાસન અન્ય લોકરને લઈને પણ ચિંતિત છે.
બેન્ક તરફથી હવે અન્ય લોકરના ગ્રાહકોને પણ સચેત કર્યા છે અને પોતાના પૈસા ચેક કરી જવા જણાવ્યું છે. બેન્કમાં સુનીતા મેહતા નામનું લોકર હતું. લોકરમાં ૨.૧૫ લાખની નોટ મુકી હતી. ગત વર્ષે મે મહિનામાં લોકર ખોલાવ્યું હતું. ત્યા સુધી રોકડા રૂપિયા સુરક્ષિત હતા. જરુર પડતા ફરીથી લોકર ખોલાવ્યું તો, નોટાના બંડલ પાઉડરની માફક થઈ ચુક્યા હતા. પીડિતાએ આરોપ લગાવ્યો કે, બેન્ક મેનેજમેન્ટ પેસ્ટ કંટ્રોલ નથી કરાવતા, એટલા માટે કૈશને નુકસાન થયું છે. પીડિતાના ભાઈએ જણાવ્યું કે, અમે બંને અમારા લોકરનો સામાન લેવા માટે અહીં આવ્યા હતા. મેં મારુ લોકર ઓપરેટ કરી લીધું છે. જ્યારે દીદીએ તેમનું લોકર ખોલીને જોયું તો, ચીસ પાડી ગયા હતા. લોકર ખોલતા જ નોટોના બંડલની જગ્યાએ ઉધઈ હતી. બંડલ પર ઉધઈ ફરતી હતી. બેન્ક કર્મીએ સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી બંડલ બહાર કાઢ્યા. ૧૫ હજાર રૂપિયાના ૫૦ની નોટનું એક બંડલ ખરાબ થઈ ગયું હતું. આ ઉપરાંત એક થેલીમાં ૫૦૦-૫૦૦ની નોટનું બંડલ હતું. ઉપરથી બરાબર દેખાતું હતું. ત્યાર બાદ અમે બેન્ક મેનેજરને ૧૫ હજાર રૂપિયા ખરાબ થયા હોવાની વાત કહી. ૩ કલાક બાદ ૧૫ હજાર રૂપિયા બદલી આપ્યા. ઘરે પહોંચ્યા બાદ બાકીના ૨ લાખ ચેક કર્યા તો, તેને પણ ઉધઈ ખાઈ ચુકી હતી. ત્યાર બાદ બીજા દિવસે બેન્ક પહોંચીને તમામ નોટ વિશે વાત કરી, તો ફરી એક વાર ના પાડવા લાગ્યા. જો કે, હોબાળો કર્યો તો, બાકીની નોટો પણ બદલી આપી. પીડિતે જણાવ્યું કે, તે બેન્કમાં લગભગ ૨૫થી વધારે એવા લોકર છે, જ્યાં ઉધઈ લાગી ગઈ છે. દિવાલમાંથી ઉધઈ લોકરમાં ફેલાઈ છે. તેમણે કહ્યું કે, જો બેન્કકર્મી સમય રહેતા તેનું સમાધાન લાવી દેતી, તો લોકરમાં રાખેલો સામાન ઉધઈ આ રીતે ખરાબ ન કરતી.