નવી દિલ્હી : ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આજે અનુભવી બેટ્સમેન રહાણે અને યુવા સ્ટાર શુભમન ગિલને વેસ્ટઇન્ડિઝના પ્રવાસ માટે વનડે ટીમમાં તક નહીં મળવાને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. સાથે સાથે પસંદગી સમિતિને પોતાની નીતિઓમાં એકાગ્રતા જાળવવા માટે અપીલ કરી હતી. સૌરવ ગાંગુલીએ પસંદગીકારો ઉપર પ્રશ્નો ઉઠાવીને કહ્યું છે કે, ટીમની પસંદગી કોઇને ખુશ કરવાના હેતુસર કરવી જોઇએ નહીં. કેદાર જાધવ સતત સારો દેખાવ કરી શક્યો નથી પરંતુ તેનો ટીમમાં સમાવેશ કરાયો છે જ્યારે વેસ્ટઇન્ડિઝમાં પાંચ એ લિસ્ટ મેચોમાં ૨૧૮ રન બનાવીને મેન ઓફ દ સિરિઝ રહેલા શુભમન ગિલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ગાંગુલીએ ટ્વિટર ઉપર પસંદગીકારોની જોરદાર ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, તેમનું મુખ્ય કામ શ્રેષ્ઠ ટીમ ઉપલબ્ધ કરાવવાનું હોવું જોઇએ.
લોકોને ખુશ કરવાના હેતુસર ટીમની પસંદગી થવી જોઇએ નહીં. ગાંગુલીએ ટ્વિટમાં એમ પણ કહ્યું છે કે, સતત ફોર્મ અને એકાગ્રતા જાળવી રાખવા માટેનો સમય આવી ગયો છે. પસંદગીકારોએ તમામ પ્રકારના ક્રિકેટ માટે સમાન ખેલાડીઓની પસંદગી કરવી જોઇએ. ખુબ ઓછા ખેલાડીઓ એવા છે જે વનડે, ટ્વેન્ટી અને ટેસ્ટ મેચોમાં રમે છે. મજબૂત ટીમોમાં સતત સારો દેખાવ કરનાર ખેલાડી હોય છે. તમામને ખુશ કરવાની બાબત જરૂરી હોતી નથી. દેશ માટે સર્વશ્રેષ્ઠ ટીમની પસંદગી કરવાની બાબત ઉપયોગી છે.
૪૭ વર્ષીય સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, ટીમમાં કેટલાક એવા ખેલાડી છે જે તમામ ફોર્મેટમાં રમી શકે છે. શુભમનને ટીમમાં નહીં જાઇને તે હેરાન છે. રહાણેને પણ વનડે ટીમમાં સામેલ કરવાની જરૂર છે. ગિલ પહેલાથી જ કેરેબિયન પ્રવાસ માટે મર્યાદિત ઓવરની ટીમમાં લઇને નારાજગી વ્યક્ત કરી ચુક્યો છે. એમએસકે પ્રસાદના નેતૃત્વમાં રવિવારે ટીમની પસંદગી થઇ હતી.