ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની નવી જર્સીને રવિવારે લોન્ચ કરવામાં આવી તી. ટીમ ઈન્ડિયાના સત્તાવાર કિટ પાર્ટનર એમપીએલ સ્પોર્ટ્સ દ્વારા મુંબઈમાં આ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં ટીમ ઈન્ડિયાની આ જર્સી વાદળી રંગની છે જેમાં બે જુદા જુદા શેડ્સનો ઉપયોગ કરાયો છે. દર વખતની જેમ ભારતીય ટીમની નવી જર્સીમાં આ વખતે આછો વાદળી રંગ જોવા મળે છે. આ ઉપરાંત તેમાં આગળ અને પાછળ આકર્ષક ધારીદાર ડિઝાઈનનો સમાવેશ પણ કરાયો છે.
મેન ઈન બ્લુની જર્સીમાં બીસીસીઆઈના લોગોની ઉપર ત્રણ સ્ટાર દર્શાવાવમાં આવ્યા છે જે ભારતના ત્રણ વર્લ્ડ કપની ઉપલબ્ધિને દર્શાવે છે. ભારતીય ટીમ ત્રણ વખત આઈસીસી વર્લ્ડ કપ વિજેતા રહી છે. સૌપ્રથમ વખત ૧૯૮૩માં કપિલ દેવીના નેતૃત્વમાં પ્રથમ વિશ્વ કપ ભારતે જીત્યો હતો. ત્યારબાદ એમ એસ ધોનીની કેપ્ટનસીમાં ભારતે ૨૦૦૭માં ટી૨૦ વર્લ્ડ કપ અને ૨૦૧૧માં વન-ડે વર્લ્ડ કપ જીત્યા હતા. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને શરૂ થઈ રહેલા ટી૨૦ વર્લ્ડ કપમાં ૨૩ ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પૂર્વે ૧૭ અને ૧૯ ઓક્ટોબરના ભારતીય ટીમ અનુક્રમે ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડ સામે વોર્મ અપ મેચ રમશે.