મુંબઈ : ભારતીય ક્રિકેટ કેન્ટ્રોલ બોર્ડ આ મહિનામાં ટીમ ઇન્ડિયાના કોચની પસંદગી કરનાર છે. બોર્ડે કપિલ દેવના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સલાહકાર સમિતિને નવા કોચની પસંદગી કરવાની જવાબદારી સોંપી છે. વર્તમાન કોચ રવિ શાસ્ત્રીને કોચ પસંદ કરવા માટે થનાર ઇન્ટરવ્યુમાં સીધી એન્ટ્રી મળી ગઈ છે.
સુત્રોના કહેવા મુજબ રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના કોચ તરીકે જાળવી રાખવામાં આવે તેવી શક્યતા છે. આગામી બે વર્ષ સુધી પોતાની અવધિને વધારામાં ફેરવવામાં રવિ શાસ્ત્રી સફળ રહી શકે છે. ક્રિકેટરમાંથી કોમેન્ટ્રેટર અને ત્યારબાદ કોચ બનેલા રવિશાસ્ત્રીની અવધિ આગામી ૨૦૨૦ ટી-૨૦ વર્લ્ડકપ સુધી વધારવામાં આવી શકે છે. હવેથી લઇને ૨૦૨૧ સુધી ભારતને બે ટી-૨૦ ચેમ્પિનયશીપમાં ભાગ લેવાનો છે જેમાં વેસ્ટઇન્ડિઝના પ્રવાસથી ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત થશે ત્યારબાદ ૨૦૨૦થી આઈસીસીના વનડે ચેમ્પિયનશીપની શરૂઆત પણ થઇ જશે.
આવી સ્થિતિમાં રવિ શાસ્ત્રીને આ જવાબદારી આપવામાં આવી શકે છે. ટીમ ઇન્ડિયા માટે આગામી રણનીતિ રવિ શાસ્ત્રી તૈયાર કરે તેમ માનવામાં આવે છે. શાસ્ત્રીની કોચિંગમાં ભારતીય ટીમની સફળતાની ટકાવારી ૭૦ ટકાની આસપાસ છે જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીતવા, એશિયા કપમાં બે ટ્રોફી અને વર્લ્ડકપમાં સેમિફાઇનલ સુધીની સફરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત રવિ શાસ્ત્રીના કોચિંગ હેઠળ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં ૧-૨થી અને ઇંગ્લેન્ડમાં ૧-૪થી ટેસ્ટ શ્રેણી હારી ચુકી છે. આ ઉપરાંત રવિ શાસ્ત્રી કોચ તરીકે હજુ પણ ટીમ ઇન્ડિયાની પ્રથમ પસંદ કરી છે. કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટઇન્ડિઝના પ્રવાસમાં રવાના થતાં પહેલા કહ્યું હતું કે, જા રવિ શાસ્ત્રી કોચ બને છે તો ખુશી થશે. વર્ષ ૨૦૧૭માં પણ શાસ્ત્રી વિરાટ કોહલીની પ્રથમ પસંદગી તરીકે રહ્યો હતો. ટીમ ઇન્ડિયામાં મુખ્ય કોચ પદ માટે અરજી કરવાની તારીખ મંગળવારના દિવસે પૂર્ણ થઇ ચુકી છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના કોચ ટીમ મૂડીનું નામ પણ હતું. મૂડીએ ૨૦૦૭માં ભારતીય ટીમને કોચિંગ આપ્યું હતું. ટીમ મૂડી આઈપીએલમાં કોચ સ્ટાફ સાથે જોડાયેલો છે. બીજી બાજુ ભરત અરુણ પણ બોલિંગ કોચ તરીકે સ્થાન જાળવી રાખે તેવી શક્યતા છે. તેમના દેખરેખમાં બે વર્ષમાં ભારતીય બોલિંગમાં સુધારો થયો છે. અને પ્રભાવશાળી દેખાવ કર્યો છે. આ ટીમે લાલ અને સફેદ બોલ સાથે બોલિંગમાં પોતાની જોરદાર છાપ છોડી છે.