૧૮મી માર્ચે રવિવારના રોજ ઓલા અને ઉબરના ડ્રાઈવરોએ હડતાળ પર જવાની જાહેરાત કરી છે. ઓલા-ઉબરના ડ્રાઈવરોના હડતાળ પર જવાથી આ બંને કંપનીઓની બધી સેવાઓ પર અસર પડવાની શક્યતા છે. તેને પગલે ખાસ કરીને મેટ્રો શહેરોમાં રહેતા લોકોને ઓફિસ, બસ સ્ટેન્ડ, એરપોર્ટ અને અન્ય જરૂરી કામો માટે આવવા-જવામાં મુશ્કેલી પડી શકે છે. કેબ ચાલકોનું કહેવું છે કે, તે સોમવારે સવારથી જ પોતાની આ સેવા બંધ કરી દેશે. આ દરમિયાન માત્ર કંપની દ્વારા ચલાવાતી કેબ જ લોકો માટે ઉપલબ્ધ રહેશે, જેની સંખ્યા ઘણી ઓછી છે.
ઓલા દેશના 110 શહેરોમાં પોતાની સર્વિસ આપે છે, તો ઉબર 25 શહેરોમાં ચાલે છે. ઓલા દ્વારા રોજ લગભગ 20 લાખ લોકો મુસાફરી કરે છે, જયારે 10 લાખો લોકો રોજ ઉબરની ટેક્સીનો ઉપયોગ કરે છે. અમદાવાદ જેવા શહેરોમાં પણ હવે મોટા પ્રમાણમાં લોકો ઓલા-ઉબરનો ઉપયોગ કરતા થયા છે. તેવામાં દિલ્હી-એનસીઆર, મુંબઈ, પુના, બેંગલુરુ, ગુડગાંવ, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ સહિત અન્ય શહેરોમાં આ હડતાળની સૌથી વધુ અસર પડશે. ત્યારે અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી શકે છે. આ શહેરોમાં મોટાભાગે લોકો ઓફિસ જવા-આવવા માટે આ કંપનીઓની કેબનો ઉપયોગ કરે છે.
આ હડતાલ બાબતે કેબ ડ્રાઈવરોનું કહેવું છે કે, તેઓની આવક સતત ઘટી રહી છે. જેના પગલે તેઓના યુનિયની મુખ્ય માંગ છે કે, તેઓને પહેલાની જેમ મહિને ઓછામાં ઓછા 1.25 લાખ રૂપિયાની કમાણી થવી જોઈએ. બીજું, કંપની પોતાના દ્વારા ચલાવાતી કેબ બંધ કરી દે. તેમની ત્રીજી શરત છે કે, એ ડ્રાઈવરોને ફરીથી કામ પર રાખવામાં આવે કે જેમને કસ્ટમરોએ ઓછું રેટિંગ આપ્યું છે તથા ચોથી માંગ એવી છે કે, ગાડીની કોસ્ટ મુજબ ભાડું નક્ક કરવામાં આવે અને પાંચમી માગણી છે કે, ઓછા ભાડા પર બુકિંગને બંધ કરી દેવામાં આવે.