નવી દિલ્હી : ઇન્કમટેક્સ વિભાગે તમિળનાડુ અને આંધ્રપ્રદેશમાં ૧૦૦થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડીને આજે ખળભળાટ મચાવી દીધો હતો. ખાણ અને ખનીજ નિકાસ સંબંધિત કંપનીઓ સામે કરચોરીના મામલામાં આ દરોડા પાડવામાં આવ્યા હતા.
ચેન્નાઈ, કોઇમ્બતુર, તિરુનવેલી, કેરાઈકાલમાં તમિળનાડુમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને શ્રીકાકુલમમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કંપનીઓ પૈકીની એક કંપનીની ઓળખ તમિળનાડુના વીવી મિનરલની હોવાની જાણવા મળ્યું છે. તમિળનાડુમાં ગેરકાયદે ખાણ પ્રવૃત્તિના આરોપી વઇકુંદરાજનની કંપનીઓ વીવી મિનરલ્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સાથે સાથે દેશમાં જ તેની ૧૦૦થી વધુ જુદી જુદી કંપનીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. વઇકુંદરાજન ઉપર મોટાપાયે ગેરકાયદે ખાણ પ્રવૃત્તિ ચલાવવાનો આરોપ છે. સુરક્ષા અને પોલીસ જવાનોની મદદથી ૧૩૦થી વધુ આઈટી અધિકારીઓ આ દરોડાની કાર્યવાહીમાં સામેલ થયા હતા.
અધિકારીઓના કહેવા મુજબ માઇનિંગ, પ્રોસેસિંગ અને અન્ય ચીજવસ્તુઓની નિકાસમાં સામેલ રહેલી મોટાભાગની કંપનીઓ ઉપર તપાસ કરવામાં આવી હતી. તેમની સામે કરચોરીના આરોપ થયા બાદથી તપાસ ચાલી રહી છે. વઇકુંદરાજનના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ કરોડપતિ છે પરંતુ ખુબ સાધારણરીતે રહે છે. પરંતુ મોટાભાગે તેમની પાસે અભૂતપૂર્વ સંપત્તિ છે. આ બાબત પણ વાસ્તવિકતા છે કે, દેશમાં ખનીજ બીચ મિનરલના કુલ ૬૪ લાયસન્સો પૈકી ૪૫ લાયસન્સો વઇકુંદરાજન પરિવારની પાસે છે. આમાતી મોટાભાગના તેમના ભાઈઓની પાસે પણ છે. વઇકુંદરાજનની સામે ૨૦૦થી વધુ અપરાધિક કેસો ચાલી રહ્યા છે. આ ઉપરાંત ૧૦૦થી વધુ સિવિલ કેસો પણ છે.