જ્યારે કોઈ તમને પૂછે કે તમે કેવી માતા છો ત્યારે તમે માત્ર બાળકોની નજરે જ વિચાર કરશો…આપણાં સમાજમાં આદર્શ માતા એટલે એક એવી માતા કે જે સવારથી ઉઠીને બાળકનું ટીફીન બનાવે, તેને ઉઠાડીને તૈયાર કરે, સ્કૂલે મોકલે, આવે ત્યારે તેને કપડાં ચેન્જ કરાવી જમાડે અને હોમવર્ક કરાવે. તેનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખે, તેની કેર કરે. તેની માંગણીઓ સંતોષે અને બીજાને પોતાની વાત મનાવવા માટે કન્વીન્સ કરે. સમાજનાં અન્ય લોકો માટે મા એવી જ હોય છે. બાળકો માટે મા એટલે હૂંફ. પણ માતા માટે પોતાનું સ્થાન ક્યાં છે ?
શું માતા ક્યારેય બાળકોથી ઉપર પોતાના માટે વિચારે છે. હાલની માતા બાળકોને માટે બધા જ બલીદાન આપવા પણ તૈયાર થઈ જાય છે. ગમે તેટલી ભણેલી હોવા છતાં પોતાના કાળજાનાં કટકા માટે નોકરી કે કરીયર પણ નેવે મૂકી દે છે. પતિ કે પરિવારજનોને પણ અવગણીને બાળકોમાં ઓતપ્રોત થઈ જાય છે. જ્યારે આ જ બાળકો મોટા થાય છે અને ત્યારે માતા જો એ જ પરિસ્થિતિમાં હોય તો તેમને આઉટ ડેટેડ લાગે છે. તેમને હૂંફનાં પાલવની વચ્ચે પણ એવુ લાગ્યા કરે કે માતા મારી વાત નહીં સમજી શકે. તો શું સતત બાળકો પાછળ જીવન વ્યતિત કરવું, તેને તમારુ સર્વસ્વ બનાવી દેવું. તેની બહારની દુનિયાને ભૂલી જવુ તે જ માતૃત્વ છે. એ ન ભૂલશો કે તમે જીવનમાં ફક્ત માતાનો રોલ કરવા જ આવ્યા છો. માતા બનવુ અમૂલ્ય સુખ છે જ. પણ તેની સાથે તમારા બીજા રોલ પણ નીભાવવાના છે, જેવા કે પત્ની તરીકેનાં, એક કુટુંબની વહુ તરીકે, એક ભાભી તરીકે, એક દીકરી તરીકે અને બધાથી ઉપર તમારા સ્વ માટે પણ જીવવાનું છે. બાળ ઉછેર તમારા જીવનનો એક ભાગ છે. તેને તમારા અન્ય રોલ સાથે મેનેજ કરીને ઉછેરશો તો તમારું વાત્સલ્ય ઓછુ નહીં થઈ જાય. મોટા થયા પછી એ બાળકોને પણ તમે એટલા નહીં ગમો કેમકે તેમની પરવરિશમાં તમે પોતાને અપડેટ કરવાનું ચૂકી ગયા હશો. ત્યારે તમે જો નવી આવતી ટેકનોલોજી, લાઈફ સ્ટાઈલ કે વાતોથી વાકેફ નહીં હોવ તો બાળકના બેસ્ટ ફ્રેન્ડ બનીને તેને વાત્સલ્ય નહીં આપી શકો. આથી જેમ બાળકને હોમવર્ક કરાવવા તેનો કોર્ષ રીફર કરો છો તેવી રીતે શક્ય હોય તો તેના ડાન્સ ક્લાસની સાથે ક્લાસમાં જાવ, તેના સાથે સ્વિમિંગ શીખવા જાવ, તેની સાથે રમો, તે વાપરે તેવા મોબાઈલ અને લેપટોપ યુઝ કરતા શીખો …ગમે તે રીતે તેના ખભાથી ખભો મીલાવીને દોસ્ત બનીને ઉછેરો…માતા બનીને નહીં. શું આપ આવી માતા બની શકશો?