મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાઇવાનના ઊદ્યોગો-રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે ઇંજન પાઠવતા કહ્યું કે તાઇવાનનું આ ઇન્વેસ્ટમેન્ટ ગ્લોબલ ઇકોનોમી માટે ગુજરાત-તાઇવાન બન્નેને વિન-વિન સિચ્યુએશન પૂરી પાડશે.
મુખ્યમંત્રીએ તાઇવાન સ્થિત વિવિધ અગ્રગણ્ય મિડીયા અને પ્રચાર-પ્રસાર માધ્યમો સાથે ગાંધીનગરમાં રસપ્રદ સંવાદ ગોષ્ઠિ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં ર૦ જેટલી વિવિધ પોલિસીઓથી ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્કલી એન્વાયરમેન્ટ ઊભું કર્યુ છે. મેન્યૂફેકચરીંગ, ટેક્ષટાઇલ, પેટ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને ડાયમંડ જેવા ઊદ્યોગ ક્ષેત્રમાં ગુજરાતે લીડ લીધી છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતમાં જીઆઇડીસીના માધ્યમથી ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર પર વિશેષ ઝોક આપ્યો છે, ખાસ કરીને એમએસએઈને મદદ અને સપોર્ટ આપીને ઉત્પાદકતા વધારવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.
મુખ્યમંત્રીએ જાન્યુઆરી-૨૦૧૯માં ૧૮-૧૯-૨૦ દરમિયાન યોજાનાર આગામી વાયબ્રન્ટમાં તાઇવાનના રોકાણકારો-ઊદ્યોગકારોને ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે તાઇવાન મિડીયાના માધ્યમથી આ અંગે અપિલ કરી કે ગુજરાતમાં તાઇવાનના ઇન્વેસ્ટર્સને સરકાર પૂર્ણ સહયોગ આપીને ગ્લોબલ ઇકોનોમીમાં એકબીજાના પૂરક બનશે.
તેમણે કહ્યું કે, ધોલેરામાં પાંચ હજાર મેગાવોટનો વિશ્વનો સૌથી વિશાળ સોલાર પાર્ક ઊભો કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, ગુજરાત કોસ્ટલ સ્ટેટ હોવાને નાતે પોર્ટ લેડ ડેવલપમેન્ટથી માંડીને ટેક્ષટાઇલ સેકટર સુધી લીડ લઇ દેશના જી.ડી.પી.માં ડબલ ડીઝીટ હિસ્સો આપે છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, ગુજરાત ભારતના અર્થતંત્રના ચાલક બળ તરીકે ઊભરી આવ્યું છે. ૩પ ટકા જી.ડી.પી. મેન્યૂફેકચરીંગ સેકટરનો છે અને ખેતીવાડી ક્ષેત્ર પણ જી.ડી.પી.માં મહત્વનું યોગદાન આપે છે.
મુખ્યમંત્રીશ્રી સાથે તાઇવાનના અગ્રગણ્ય મિડીયા હાઉસ, પ્રચાર-પ્રસાર માધ્યમોના ૩પ જેટલા યુવાઓએ ગુજરાતમાં રોકાણકારોને અપાતા ઇન્સેટીવ્ઝ, ઊદ્યોગ સંસ્થાપન માટેની પ્રોત્સાહક પોલિસીઝ જીડીપી વગેરે અંગે પ્રશ્નોત્તરી કરી હતી.
વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ઊદ્યોગ સંસ્થાપન માટેની સરળતા માટે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ પર વિશેષ ધ્યાન અપાય છે તેની વિગતો આપતાં કહ્યું કે અહિ ઇન્વેસ્ટમેન્ટ માટે આવનારાને કોઇ જ તકલીફ ન પડે અને સરકાર દ્વારા આપવાના થતા કલીયરન્સ સરળતા એ મળે તે હેતુથી સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત છે.
તેમણે ગુજરાતમાં યુવાધનને સ્ટાર્ટઅપ પોલિસી-સેન્ટર ઓફ એકસલન્સ વગેરે દ્વારા સ્વતંત્ર રોજગાર અવસરો આપવાની તેમજ વિશ્વ કક્ષાનું જ્ઞાન પુરૂં પાડવા ૬૦ જેટલી વિવિધ અભ્યાસક્રમ યુનિવર્સિટીઓ કાર્યરત છે તેની પણ વિગતો આપી હતી.
આ મિડીયા સાથે આવેલા Taipei ઇકોનોમીક એન્ડ કલ્ચરલ સેન્ટરના ડાયરેકટર શ્રીયુત હૂંગ ચાંગે મુખ્યમંત્રીને તાઇવાનની ગુજરાત ડેલિગેશન સાથે મૂલાકાત લેવા ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું હતું.