સિડની : સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલી ચોથી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમે જોરદાર બેટિંગ કરી હતી. પ્રથમ દિવસે જ ભારતે ચાર વિકેટે ૩૦૩ રન બનાવ્યા હતા. ભારત તરફથી ચેતેશ્વર પુજારાએ વર્તમાન શ્રેણીમાં શાનદાર ફોર્મ જાળવી રાખીને વધુ એક સદી ફટકારી હતી. આજે રમત બંધ રહી ત્યારે ચેતેશ્વર પુજારા ૧૩૦ અને વિહારી ૩૯ રન સાથે રમતમાં હતા. પુજારાએ ૨૫૦ બોલમાં ૧૬ ચોગ્ગા સાથે આ રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલે ૭૭ રન કર્યા હતા. આ પહેલાની ટેસ્ટ મેચમાં પ્રવેશ મેળવનાર મયંક અગ્રવાલે વધુ એક અડધી સદી ફટકારી હતી. મયંક અગ્રવાલ સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૧૨ બોલમાં ૭૭ રન કરીને આઉટ થયો હતો.
કેપ્ટન કોહલી માત્ર ૨૩ રન કરી શક્યો હતો. ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ નિર્ણય યોગ્ય સાબિત થયો હતો. દિવસના અંતે ભારતે મજબૂત સ્થિતિ પ્રથમ દિવસે જ મેળવી લીધી હતી. ભારતે તેની પ્રથમ વિકેટ ૧૦ રને ગુમાવી હતી પરંતુ ત્યારબાદ મયંક અગ્રવાલ અને પુજારાએ ૧૨૬ રન સુધી સ્કોરને લઇ જવામાં સફળ રહ્યા હતા. મયંક અગ્રવાલે પણ ઝડપી બેટિંગ કરી હતી. રહાણે અને રાહુલનો ખરાબ ફોર્મ યથાવતરીતે જારી રહ્યો છે. ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમ પહેલાથી જ ૨-૧ની લીડ ધરાવે છે અને ૭૦ વર્ષના લાંબા ગાળા બાદ ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણી જીતવા માટે સંપૂર્ણપણે સજ્જ દેખાઈ રહી છે. ભારતે આ પહેલા રમાયેલી મેલબોર્ન ટેસ્ટમાં ઇતિહાસ સર્જીને રેકોર્ડ જીત મેળવી હતી.
મેલબોર્ન ટેસ્ટ પહેલા પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી જ્યારે તે પહેલા પ્રથમ ટેસ્ટ મેચમાં એડિલેડ ખાતે ભારતે જીત મેળવી હતી. ભારતની શ્રેણીમાં ૨-૧ની લીડ થયેલી છે ધારણા પ્રમાણે જ આ ટેસ્ટ મેચમાં અંતિમ ઇલેવનમાં અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઇશાંત શર્માને પણ આ ટેસ્ટ મેચથી બહાર રાખવામાં આવ્યો છે. આ ટસ્ટ મેચમાં આક્રમણની જવાબદારી મુખ્યરીતે મોહમ્મદ સામી અને બુમરાહ ઉપર છે. આ બંને ઉપરાંત ટીમમાં કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા જવાબદારી સંભાળશે. આજે પ્રથમ દિવસે ભારતના બેટ્સમેનો આક્રમક દેખાયા હતા અને ૯૦ ઓવરમાં ચાર વિકેટે ૩૦૩ રન બનાવ્યા હતા જે ટેસ્ટ મેચ દ્રષ્ટિએ એક દિવસમાં સારા રન છે. ઓસ્ટ્રેલિયા તરફથી બોલરો બિનઅસરકારક રહ્યા હતા. હેઝલવુડે બે અને સ્ટાર્કે એક વિકેટ તેમજ લિયોને એક વિકેટ ઝડપી હતી.