સિડની: સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ચોથી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતે આજે જંગી જુમલો ખડક્યો હતો. ચેતેશ્વર પુજારાના ૧૯૩ અને ઋષભ પંતના ૧૫૯ રન અણનમની સહાયથી સાત વિકેટે ૬૨૨ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ પણ ૮૧ રન બનાવ્યા હતા. ભારતના જંગી જુમલાના જવાબમાં આજે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ વિના વિકેટે ૨૪ રન બનાવ્યા હતા. હેરિશ ૧૯ અને ખ્વાજા પાંચ રન સાથે રમતમાં હતા.
ભારત વર્તમાન શ્રેણીમાં ૨-૧ની લીડ ધરાવે છે. ગઇકાલે પ્રથમ દિવસે રમત બંધ રહી ત્યારે ચેતેશ્વર પુજારા ૧૩૦ અને વિહારી ૩૯ રન સાથે રમતમાં હતા. આજે બંને બેટ્સમેનોએ તેમની ઇનિંગ્સ આગળ વધારી હતી અને વિહારી કોઇ વધારે રન ઉમેર્યા વગર આઉટ થયો હતો. ત્યારબાદ પુજારાની સાથે પંતે જાડી જમાવી હતી. પુજારા ૧૯૩ રન કરીને આઉટ થયો હતો. જ્યારે પંતે શાનદાર સદી ફટકારી હતી. તે ૧૫૯ રન કરીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ પણ લોઅર ઓર્ડરમાં ઉપયોગી ૮૧ રન ઉમેર્યા હતા. ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ નિર્ણય યોગ્ય સાબિત થયો હતો.
દિવસના અંતે ભારતે મજબૂત સ્થિતિ પ્રથમ દિવસે જ મેળવી લીધી હતી. ભારતે તેની પ્રથમ વિકેટ ૧૦ રને ગુમાવી હતી પરંતુ ત્યારબાદ મયંક અગ્રવાલ અને પુજારાએ ૧૨૬ રન સુધી સ્કોરને લઇ જવામાં સફળ રહ્યા હતા. મયંક અગ્રવાલે પણ ઝડપી બેટિંગ કરી હતી. રહાણે અને રાહુલનો ખરાબ ફોર્મ યથાવતરીતે જારી રહ્યો છે. ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમ પહેલાથી જ ૨-૧ની લીડ ધરાવે છે અને ૭૦ વર્ષના લાંબા ગાળા બાદ ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણી જીતવા માટે સંપૂર્ણપણે સજ્જ દેખાઈ રહી છે. ભારતે આ પહેલા રમાયેલ મેલબોર્ન ટેસ્ટમાં ઇતિહાસ સર્જીને રેકોર્ડ જીત મેળવી હતી. મેલબોર્ન ટેસ્ટ પહેલા પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી જ્યારે તે પહેલા પ્રથમ ટેસ્ટ મેચમાં એડિલેડ ખાતે ભારતે જીત મેળવી હતી. ભારતની શ્રેણીમાં ૨-૧ની લીડ થયેલી છે ધારણા પ્રમાણે જ આ ટેસ્ટ મેચમાં અંતિમ ઇલેવનમાં અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઇશાંત શર્માને પણ આ ટેસ્ટ મેચથી બહાર રાખવામાં આવ્યો છે. આ ટસ્ટ મેચમાં આક્રમણની જવાબદારી મુખ્યરીતે મોહમ્મદ સામી અને બુમરાહ ઉપર છે. આ બંને ઉપરાંત ટીમમાં કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા જવાબદારી સંભાળશે.