સિડની : સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે રમાયેલી વન ડે શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત પર ૩૪ રને જીત મેળવી હતી. આની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦૦મી જીત હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયાના ૨૮૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ રિચર્ડસનના તરખાટની સામે ટકી શકી ન હતી અને નિયમિત ગાળામાં વિકેટો ગુમાવી હતી. રોહિત શર્માએ ૧૩૩ રન ફટકાર્યા હોવા છતાં ભારતની હાર થઈ હતી. રોહિત શર્માએ વન ડે કેરિયરની ૨૨મી સદી ફટકારી હતી પરંતુ ભારતીય ટીમ નવ વિકેટે ૨૫૪ રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયન ટીમમાં એન્ટ્રી કરેલા બેહરેનડોર્ડે ૩૦ અને સ્ટોઈનીસે ૬૬ રન આપીને બે બે વિકેટ ઝડપી હતી. રોહિત શર્માએ ૧૨૯ બોલમાં ૧૦ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા.
જ્યારે ધોનીએ ૫૧ રન બનાવ્યા હતા. ધોની અને રોહિત શર્માએ ચોથી વિકેટ માટે ૧૩૭ રનની ભાગીદારી નોંધાવી હતી. એક વખતે ભારતીય ટીમ ચાર વિકેટ ઝડપથી ગુમાવી દીધા બાદ મુશ્કેલીમાં દેખાઈ રહી હતી. ભારતે ચાર રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. છેલ્લે સુધી ભારતીયીય વાપસી કરી શકી ન હતી અને નિયમિત ગાળામાં વિકેટો ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાના શાનદાર દેખાવ સામે ભારતીય ટીમ છેલ્લે સુધી ફ્લોપ પુરવાર થઈ હતી. તે પહેલા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારીત ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૮૮ રન કર્યા હતા. હેન્ડસકોમ્બ ૬૧ બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૬૧ રન કરીને આઉટ થયો હતો.
ત્યારબાદ સ્ટોઈનીસે ૪૩ બોલમાં અણનમ ૪૭ રન બનાવ્યા હતા. જેમાં બે છેગ્ગા અને બે ચોગ્ગાનો સમાવેશ થાય છે. પાંચમી વિકેટની ભાગીદારીમાં ૬૮ રન બન્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમે છેલ્લી સાત ઓવરમાં ૮૦ રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે ૫૪ અને ભુવનેશ્વર કુમારે ૬૬ રન આપીને બે બે વિકેટ ઝડપી હતી. જાડેજાએ ૪૮ રન આપીને એક વિકેટ ઝડપી હતી. લક્ષ્યાંકનો પીછો કરતા ભારતની શરૂઆત ખૂબ જ કંગાળ રહી હતી. ચોથી ઓવરમાં ચાર રને ત્રણ વિકેટ ભારતે ગુમાવી દીધી હતી.
રોહિત શર્માએ પણ શરૂઆતમાં ધીમી બેટીંગ કરી હતી પરંતુ ત્યારબાદ ઓસ્ટ્રેલિયન બોલરોને મેદાનની ચારેબાજુ ફટકાર્યા હતા. રોહિત શર્મા ૧૭ બોલ સુધી ખાતુ ખોલી શક્યો ન હતો. ફ્રી હીટ ઉપર છગ્ગાની સાથે રોહિત શર્માએ ખાતુ ખોલ્યું હતું. ધોનીએ એક રન બનાવતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે ૧૦ હજાર રન પુરા કર્યા હતા. ભારતે ૧૦ ઓવરમાં ત્રણ વિકેટે ૨૧ રન કર્યા હતા. રોહિતે ત્યારબાદ ઉત્કૃષ્ટ બેટીંગ કરી હતી.