અમદાવાદ: અમદાવાદ શહેરમાં આ વર્ષે સ્વાઇન ફ્લુનો આતંક જારદાર રીતે જારી રહ્યો છે. સપ્ટેમ્બરમાં સૌથી વધુ ૧૮ લોકોના મોત થઇ ગયા છે. સ્વાઇન ફ્લુના કારણે જે મોત થયા છે તે પૈકી બે તૃતિયાશ મોત આ સપ્ટેમ્બર મહિનામાં થયા છે. જ્યારે જે કેસો નોંધાયા છે તે પૈકી ૮૪ ટકા કેસો પણ સપ્ટેમ્બર મહિનામાં નોંધાયા હોવાના હેવાલ મળ્યા છે. સેંકડોની સંખ્યામાં લોકો હજુ સારવાર હેઠળ છે. પહેલી જાન્યુઆરી ૨૦૧૮થી લઇને ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ વચ્ચેના ગાળામાં ૨૭ મોત થયા છે. જે પૈકી સપ્ટેમ્બરમાં ૧૮ના મોત થયા છે. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં છ લોકોના મોત સ્વાઇન ફ્લુના કારણે થઇ ચુક્યા છે.
આરોગ્ય માટેના એએમસી મેડિકલ ઓફિસર ભાવિન સોલંકીના કહેવા મુજબ વર્ષ ૨૦૧૮ના પ્રથમ નવ મહિનામાં સ્વાઇન ફ્લુના કુલ કેસો ૨૫૩ રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં જે ૧૮ના મોત થયા છે તે પૈકી ૧૨ના મોત મહિનાના બીજા પખવાડિયામાં થયા છે. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે ગુજરાતમાં સ્વાઇન ફ્લુના જે કેસો થયા છે તે પૈકી અમદાવાદમાં ૮૫ ટકા કેસો નોંધાયા છે.
અમદાવાદમાં પણ સ્વાઇન ફ્લુની સારવા માટે ખાસ વ્યવસ્થા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે. આ ઉપરાંત પણ ગુજરાતમાં જુદી જુદી સરકારી હોસ્પિટલમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. મેડિકલ ઓફિસર દ્વારા માહિતી આપતા કહેવામાં આવ્યુ છે કે સ્થિતી હાલમાં જટિલ બની રહી છે. સ્વાઇન ફ્લુના કારણે રાજ્યના જુદા જુદા ભાગોમાં કેસો નોંધાયા છે. જેમાં રાજકોટ, વડોદરા, આણંદ, સુરત સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. અમદાવાદ અને સુરતમાં કેસોની સંખ્યા સૌથી વધારે નોંધાઇ હોવાનુ જાણવા મળ્યુ છે.