સ્વાઇન ફલુથી બચાવવા હવે  ઉકાળાનું ખાસ વિતરણ કરશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ઘાતક સ્વાઇન ફ્‌લૂ સામે નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા આયુર્વેિદક ઉકાળાનું વિતરણ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. સોમવારથી લોકોમાં ઉકાળાનું વિતરણ શરૂ કરાય તેવી શકયતા છે. જા કે, દર વર્ષે સ્વાઇન ફલુ સહિત રોગચાળા મુદ્દે ગુજરાત હાઇકોર્ટની ફટકાર લાગ્યા બાદ જ મ્યુનિસિપલ તંત્ર કેમ સફાળુ દોડતું થાય છે તે સૌથી મોટો સવાલ હવે ઉઠી રહ્યો છે. કારણ કે, આ વર્ષે પણ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં સ્વાઇન ફલુની વકરી રહેલી સ્થિતિને લઇ રાજય સરકાર અને અમ્યુકો સત્તાવાળાઓને હાઇકોર્ટે ફટકાર લગાવી વિગતવાર ખુલાસો અને જવાબ માંગતા તંત્ર હવે પોતે સજાગ અને ગંભીર હોવાનો દેખાડો કરવા આ બધુ કરી રહ્યું હોવાની છબી પણ સામે આવી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ, તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ સરકારી આયુર્વેિદક અને હોમિયોપેથિક દવાખાનામાં લોકોને આયુર્વેદિક ઉકાળો પીવડાવવાની વ્યવસ્થા ઊભી કરાશે. ગળો, અરડૂસી, તુલસી, લીમડો જેવી ૧પથી વધુ ઔષધિઓનો આ ઉકાળો તૈયાર કરાશે. જો કે તંત્રની આગ લાગે ત્યારે કૂવો ખોદવાની નીતિ રીતિ હોવાનો વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. અનેક ખાનગી હોસ્પિટલ તગડો નફો રળવા આઇસોલેશન વોર્ડ વગર સામાન્ય દર્દીઓની સાથે સ્વાઇન ફ્‌લૂના દર્દીની સારવાર કરે છે પરંતુ તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલની ચકાસણી કરાતી નથી.

આઇસોલેશન વોર્ડ ધરાવતી ખાનગી હોસ્પિટલની યાદી પણ જાહેર કરાતી નથી કે આઇસોલેશન વોર્ડ ઊભો કરવા માટે કોઇ પરિપત્ર કરાયો નથી. સત્તાધીશો સ્વાઇન ફ્‌લૂના મામલે જરા પણ ગંભીરતા દાખતા નથી તેવો આક્ષેપ મ્યુનિસિપલ કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ કર્યો છે. દરમિયાન શહેરમાં સ્વાઇન ફ્‌લૂના વધુ ૩૦ કેસ નોંધાતાં સ્વાઇન ફ્‌લૂના પોઝિટિવ કેસની સંખ્યા પ૦૦ને આંબી ગઇ છે. દરમ્યાન આવતીકાલથી બે દિવસનું બજેટ સત્ર આરંભ થશે. કોર્પોરેટરો અધિકારીઓ સહિત ૩૦૦ જેટલી વ્યક્તિઓ બે દિવસ સુધી સત્રમાં હાજર રહેશે. આવા સંજોગોમાં સ્વાઇન ફ્‌લૂ સામે હેન્ડ સેનેટાઇઝરની વ્યવસ્થા ઉપરાંત વધુ અસરકારક પગલાં લેવા જરૂરી બનશે. જે તે વ્યક્તિનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ જ ગાંધી હોલમાં તેમને પ્રવેશવા દેવા તેવી પણ માંગણી ઊઠી છે.

Share This Article