અમદાવાદમાં પશ્ચિમ ક્ષેત્રમાં સ્વાઈન ફ્લુનો આતંક વધારે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુના કારણે ૪૦૦થી પણ વધુ કેસો થઇ ચુક્યા છે. કેસોની સંખ્યા વધીને ૪૫૨ ઉપર પહોંચી ચુકી છે. અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુમાં મોતનો આંકડો વધીને ૮ ઉપર પહોંચ્યો છે જ્યારે કુલ કેસોની સંખ્યા ૪૫૨ ઉપર પહોંચી છે. અમદાવાદમાં બે દિવસમાં જ ૨૩૯ કેસો નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વધારે કેસો નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓના કહવા મુજબ જાધપુર, ચાંદખેડા, નિકોલ, વસ્ત્રાલમાં સ્વાઈન ફ્લુના કેસો નોંધાયા છે. ૪૫૨થી વધુ કેસ સપાટી ઉપર આવી ચુક્યા છે. આઠના મોતનો આંકડો પણ ઓછો નથી. વસ્ત્રાલમાં બેના મોત થયા છે જ્યારે વેજલપુર, સરસપુર, મણિનગર, નરોડા, ઓઢવ અને દરિયાપુર વોર્ડમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. સ્વાઈન ફ્લુના જે ૪૫૨ કેસ નોંધાયા છે તે પૈકી ૫૦ ટકા કેસો માત્ર આજ વિસ્તારોમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં મોટાભાગના દર્દીઓની વય ૪૦થી ૫૦ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.

યર બિજલ પટેલે કહ્યું છે કે, મહત્વપૂર્ણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સરકારી હોસ્પિટલોમાં પુરતા પ્રમાણમાં આઈસોલેશન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. પુરતા પ્રમાણમાં વેન્ટીલેટરો પણ રાખવામાં આવ્યા છે. અસારવા સિવિલ અને સોલા સિવિલ સહિત પાંચ સરકારી હોસ્પિટલમાં ૧૨૨ અલગથી બેડ રાખવામાં આવ્યા છે. સ્વાઈન ફલુના દર્દીઓ માટે ૫૭ વેન્ટીલેટરો પણ તૈયાર રખાયા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સ્વાઈન ફ્લુના સિઝનલ રોગને રોકવા માટે તમામ પગલા લેવાઈ રહ્યા છે. અમદાવાદમાં હાલ ૧૨૫ દર્દીઓ સારવાર હેઠળ છે. રાજ્યભરમાં મોતનો આંકડો ઉલ્લેખનીયરીતે વધી રહ્યો છે.

 

Share This Article