સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ (SSSM) અને સુરત અનએઇડેડ સ્કૂલ એસોસિએશન (SUSA), કોન્શિયસલીપના સહયોગથી, ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ મહત્વપૂર્ણ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્ષણાત્મક માનસિક સુખાકારીના શિક્ષણ કાર્યક્રમને સામેલ કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. “શેપિંગ ધ ફ્યુચર: બિલ્ડીંગ એ પ્રોટેક્ટિવ ઇકો સિસ્ટમ ફોર સ્ટુડન્ટ મેન્ટલ વેલબીઇંગ” શીર્ષક ધરાવતા આ કાર્યક્રમમાં ડો. હેનલ શાહ, શ્રી બીપી મંડોલી, શુભી મહેતા અને સંજય દેસાઈ સહિતના પ્રતિષ્ઠિત વક્તાઓએ વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરી રહેલા માનસિક સ્વાસ્થ્યના પડકારોને સંબોધિત કર્યા હતા.
મુંબઈની નાયર હૉસ્પિટલમાં બાળ અને કિશોર મનોચિકિત્સા એકમના વડા ડૉ. હેનલ શાહે યુવાનોમાં માનસિક સ્વાસ્થ્યની વધતી જતી સમસ્યાઓ વિશે ચેતવણી આપી હતી. તેણીએ ચેતવણી આપી, “આપણા બાળકોની માનસિક તંદુરસ્તીને અવગણવાના પરિણામો દૂરગામી હોઈ શકે છે. જો કે, શિક્ષકો, માતા-પિતા અને માનસિક સ્વાસ્થ્ય વ્યવસાયિકોના સહાયક અભિગમ દ્વારા બાળકોની માનસિક સ્વસ્થતાને અવરોધતા પડકારોને નાથી શકીએ છીએ. ઉત્તરાખંડના સમગ્ર શિક્ષા વિભાગના રાજ્ય નોડલ ઓફિસર શ્રી બી પી મંડોલીએ વેલસ્પાયર™️ કાર્યક્રમ વિદ્યાર્થીઓના જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવવા માટે કેવી રીતે ભાગ ભજવશે તેની વિસ્તૃત સમજ આપી હતી.
કોન્શિયસલીપના સ્થાપક અને સીઈઓ સંજય દેસાઈએ બાળકોની માનસિક સુખાકારીમાં અવરોધરૂપ એવા નકારાત્મક પરિબળો બાબતે વિગતવાર પ્રકાશ પાડ્યો હતો અને આ પરિબળોને દૂર કરવામાં વિદ્યાર્થીઓને મદદરૂપ બને તેવા પગલાં લેવા માટે શાળાઓની જવાબદારી પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે “બાળકોનું માનસિક સ્વાસ્થ્ય એ પારિવારિક મુદ્દો છે તેવી ગેરસમજ પ્રવર્તે છે. વાસ્તવિકતા એ છે કે બાળકો પર નકારાત્મક વાતાવરણની ખૂબ જ ઊંડી અસર થાય છે. આ સંજોગોમાં બાળકોના માનસિક સ્થિતિને મજબૂત બનાવવા માટે શાળાઓ જ એકમાત્ર મજબૂત સેતુ છે.” “ચક દે ઇન્ડિયા” ફિલ્મના અભિનેત્રી અને એક્ઝિક્યુટિવ કોચ, TEDx સ્પીકર શુભી મહેતાએ જીવનમાં આવતા ઉતાર-ચઢાવ દરમ્યાન માનસિક સ્વસ્થતા કેવી રીતે જાળવવી તે અંગેના વિવિધ પાસાઓ તરફ ધ્યાન દોર્યું હતું. તદુપરાંત, તેમણે બાળકોમાં માનસિક મજબૂતાઈ કેળવવા માટે ખૂબ મહત્વના એવા પ્રાયોગિક શિક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી ડૉ. દીપક રાજ્યગુરુ દ્વારા શાળાઓ દ્વારા માનસિક સક્ષમતાની ગુણવત્તા ટકાવી રાખવામાં શાળાઓ કેવી રીતે ઉપયોગી થઇ શકે તે અંગે પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પેનલ ડિસ્કશનમાં વિદ્યાર્થીઓમાં વિવિધ અભિરુચિનું નિર્માણ, આત્મનિરીક્ષણની પદ્ધતિઓ અને પ્રાયોગિક શિક્ષણ વિષે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્દ મંત્રી શ્રી નિખિલ મદ્રાસીએ તેમની ઉપસ્થિતિથી આ સમગ્ર પ્રસંગને શોભાવ્યો હતો.
આમ, આ સુંદર કાર્યક્રમમાં શૈક્ષણિક આગેવાનો અને શિક્ષણવિદોનો એક ભવ્ય મેળાવડો જોવા મળ્યો. વિદ્યાર્થીઓની માનસિક સુખાકારીની જરૂરિયાતોને સંબોધવા માટે એક સંકલિત અને સર્વગ્રાહી વ્યૂહરચનાની આવશ્યકતા પર સ્પષ્ટ સર્વસંમતિ સાથે ઇવેન્ટ સમાપ્ત થઈ. વિદ્યાર્થીઓની માનસિક મજબૂતાઈ માટે ખૂબ જરૂરી એવા આવા નોંધપાત્ર કાર્યક્રમો ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે, જે ભવિષ્યમાં આધુનિક શિક્ષણ પદ્ધતિને હજી વધુ સક્ષમતા બક્ષવા માટે સક્ષમ બનશે તે નિર્વિવાદ છે.