સત્સંગનો મહિમા

KhabarPatri News
By KhabarPatri News 8 Min Read

આપણા હિન્દુ ધર્મનાં શાસ્ત્રોમાં ભગવાનને પામવાના અનેકાનેક ઉપાયો જુદાં- જુદાં શાસ્ત્રોમાં વર્ણન કરેલાં છે તે અનુસાર જેને જે યોગ્ય લાગે તે પ્રમાણે ઘણાં મનુષ્યો ભગવાનને મેળવવા માટે પ્રયત્નો અને સાધનો કરે છે. કોઈ ભગવાનને પામવા માટે વનમાં જઈ તપ કરે છે. તો કોઈ વરસાદની ધારાઓ સહન કરે છે તો કોઈ વળી તીર્થસ્થાનોમાં જઈ પ્રદક્ષિણા કે યજ્ઞો કરે છે. કેટલાક ભગવાનને રાજી કરવા માટે વ્રત કે ઉપવાસો કરે છે. આમ, સૌ પોત પોતાની બુધ્ધિ અને સંગાનુસારે પ્રયત્નો કરે છે. પરંતુ તેમાં સફળતા કેટલાને પ્રાપ્ત થઈ?

ભગવાનને પામવાનો સરળ અને સચોટ ઉપાય તો ભગવાને સ્વયં એકાદશ સ્કંધના બારમાં અધ્યાયમાં જ બતાવેલો છે. શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં ઉધ્ધવ પ્રત્યે કહ્યું છે જે, “અષ્ટાંગ યોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થવ્રત, યજ્ઞ, ને દાનાદિક તેણે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને થાઉ છું” માટે સર્વે સાધન કરતાં સત્સંગ તે અધિક થયો.

ભગવાને સર્વ સાધન કરતાં સત્સંગ અધિક કીધો એટલે એક દિવસ નારદમુનિ શ્રીકૃષ્ણ ભગવાનની પાસે આવ્યા અને તેમણે ભગવાનને પ્રશ્ન પૂછયો કે, તમો સર્વ સાધન કરતાં સત્સંગને અધિક કહો છો તો ‘સત્સંગનું ફળ શું ?’ એ તો કહો. ત્યારે ભગવાને કહ્યું કે, “નારદજી ! તમને આટલી સ્હેલી વાત પણ ના સમજાઈ. અરે  !  તમારા પ્રશ્નનો ઉત્તર તો આ નરકમાં પડેલો એક નાનો સરખો કીડો છે તે પણ તમને આપશે.”

નારદજી નરકમાં રહેલા કીડા પાસે ગયા. તેમણે કીડાને પ્રશ્ન પૂછયો કે,  ‘હે કીડા, સત્સંગનું ફળ શું ? ’ એટલે કીડાએ નારદજી સમક્ષ જોયું અને તેણે તરત જ દેહ છોડી દીધો. નારદજીને પ્રશ્નનો ઉત્તર ન મળ્યો. એટલે પાછા ભગવાન પાસે આવ્યા. તેમણે ભગવાનને કહ્યું કે ‘મારા પ્રશ્નનો ઉત્તર તો મને ન મળ્યો અને કીડો મરી ગયો. માટે આપ તે પ્રશ્નનો ઉત્તર કરો.’

આ સાંભળી ભગવાને ગંભીરતાપૂર્વક કહ્યું : ‘જુઓ, પેલા માળામાં હમણાં જ જન્મેલું પોપટનું બચ્ચું છે. તેને જઈને તમે પૂછો. એ તમને સત્સંગનું ફળ બતાવશે.’

ભગવાનના આદેશથી અને પ્રશ્નના સમાધાનની આશાથી નારદજી પોપટનાં બચ્ચાં પાસે આવ્યા અને પ્રશ્ન પૂછયો કે,  ‘સત્સંગનું ફળ શું ?’ પોપટનાં બચ્ચાંએ આંખ ઉઘાડીને નારદજી સામે જોયું. ત્યાં તેની આંખ બીડાઈ ગઈ અને તરત જ મરણ પામ્યું. એટલે નારદજી તો ગભરાઈ ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે ‘શું સત્સંગનું ફળ મરણ હશે ? જેને આ પ્રશ્ન પૂછું છું તેનું મરણ જ થાય છે.’ એમ વિચાર કરતાં-કરતાં તેઓ ફરીથી ભગવાન પાસે આવ્યા. અંતરમાં દુઃખ પામતા ભગવાનને નારદજી કહેવા લાગ્યા કે,  ‘તમારે મને સાચી વસ્તુ કહેવી હોય તો કહો નહિ તો હું જાઉં છું કારણ કે જેને પૂછું એના પ્રાણ જ જાય છે. આ તો મારા માથે હત્યા ચોટે છે. માટે મારે તમારી  સલાહ માનવી નથી.’

ભગવાન તો આ વાત સાંભળીને હસવા લાગ્યા અને કહ્યું, ‘ નારદજી ! તમે ઉતાવળા ન થાઓ. તમારે જો ખરી વાત જાણવી હોય તો પેલું ગાયનું વાછરડું હમણાં જ જન્મ્યું છે. તેને પૂછશો તો તમારા મનનું સમાધાન થશે.’

નારદજી પહેલા પ્રસંગથી ક્ષોભ પામતા વાછરડાં પાસે આવ્યા. ધીરેથી તેના કાનમાં પૂછયું : ‘સત્સંગનું ફળ શું ?’ જવાબની રાહ જોતાં જ વાછરડું ધરતી પર ઢળી પડયું. આથી નારદજી અત્યંત નિરાશ થઈ ગયા. ગૌહત્યાથી તેમનું મન ઉદાસ થઈ ગયું. તે તો ઉતાવળા ત્યાંથી સીધા ભગવાન પાસે લડવા માટે દોડી આવ્યા. ભગવાને તેમને સમજાવીને શાંત કર્યા. પછી કહ્યું કે, ‘તમારા પ્રશ્નનો ઉત્તર હવે તમને ચોક્કસ મળશે. આ નગરના રાજા પાસે જાઓ હમણાં જ તેને ત્યાં પુત્ર જન્મ્યો છે. તેને તમે પૂછશો એટલે જરૂર સમાધાન થઈ જશે.’

નારદજીએ ભગવાનને કહ્યું : ‘ અત્યાર સુધી તો કીડાને, પોપટને અને વાછરડાંને પૂછયું ને તેમના પ્રાણ ગયા. તે માટે તો મને કોઈએ કાંઈ કહ્યું નથી. પણ હવે જો રાજા પાસે જાઉં ને ફરી તેમ જ થાય તો મારું આવી જ બને  ને ! મારે સત્સંગનું ફળ જાણવું નથી. આપનો વિશ્વાસ પણ કરવા જેવો નથી.’ ભગવાન નારદજીને મનાવતાં કહેવા લાગ્યા કે ‘ નારદજી !  તે રાજપુત્ર તમને સત્સંગનું ફળ અવશ્ય કહેશે અને તે મરશે પણ નહિ માટે તમો ત્યાં જાઓ. ’ નારદજી હૈયું કઠણ કરીને, હિંમત રાખીને ત્યાં પહોંચ્યા. રાજપુત્રને પ્રશ્ન પૂછયો કે,  ‘ભાઈ, સત્સંગનું શું ફળ છે?’ આ વાકય સાંભળતાં જ બાળક નારદજી પ્રત્યે જોઈ હસીને બોલ્યો કે, ‘અરે ! નારદજી, હજી તમે સત્સંગનું ફળ શું છે તે સમજ્યા નથી ? આપે મને પહેલાં પ્રશ્ન પૂછયો ત્યારે હું કીડો હતો, તેમાંથી પોપટનું શરીર પામ્યો, ત્યાં પણ આપનાં દર્શનથી મુકત થઈ વાછરડું થયો. આપનાં દર્શનથી ત્યાંથી છૂટીને રાજાના ઘરમાં જન્મ પામ્યો છું. આમ, એક પછી એક ઉત્તમ યોનિને આપના જેવા સત્પુરુષનાં દર્શનથી પામ્યો છું. અહીં પણ મને આપનાં દર્શન થયાં છે તેથી મારું જીવન સાર્થક થઈ ગયું.’

આમ, માત્ર સંતનાં દર્શન કરવાથી જ આયુષ્ય ઓછી થતી ગઈ ને ઉચ્ચકોટિના જન્મ પ્રાપ્ત થતા ગયા. માટે કહ્યું  છે કે

સંત સપૂત ને  તૂંબડાં, તેનો એક સ્વભાવ;
તારે પણ ડૂબે નહિ, અને ઉતારી દે ભવપાર.

 અર્થાત્‌, સંત અને સત્સંગ એ  જ આ લોકમાંથી ઉગારનારા છે. જન્મ મરણ અને લખચોરાશીના ફેરા ટાળનાર છે.

સત્સંગ વિના જન્મમરણ, ભવજાળ મટે નહિ જંતને;
મન  માન  તજી  તે  માટેશરણ જઈ  રહીએ સંતને.

પરંતુ આપણને એક વળી પ્રશ્ન થશે કે, ભગવાનને પ્રસન્ન કરવા માટે સત્સંગ સર્વ સાધન કરતાં અધિક છે પણ સત્સંગ કહેવાય કોને? તો સત્સંગની સરળ અને સચોટ વ્યાખ્યા શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વમુખ વાણી જે વચનામૃત તેના મધ્ય પ્રકરણના પ૪ માં વચનામૃતમાં કરી છે કે, સત્ય એવા જે ભગવાન, સત્ય એવા જે સંત, સત્ય એવો જે ધર્મ અને આ ત્રણેનું જેમાં વર્ણન હોય એવું જે શાસ્ત્ર. આ ચારનો સંગ કરવો તેનું નામ સત્સંગ કર્યો કહેવાય. પરતું જે મનુષ્ય આવો સત્સંગ નથી કરતો તેની સદ્‌ગતિ થતી નથી. તેથી જ શ્રી સ્વામિનારાયણ ભગવાને સર્વજીવહિતાવહ શિક્ષાપત્રીના શ્લોક ૧૧૪ માં કહ્યું છે કે,

ગુણિનાં ગુણવત્તાયા જ્ઞેયં હ્યેતત્‌ પરં ફલમ્‌ ;
કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગોડન્યથા યાન્તિ દોપ્યધ.

વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એજ પરમફળ જાણવું, કયું તો ભગવાનને વિષે ભક્તિ કરવી ને સત્સંગ કરવો અને એમ ભક્તિ ને સત્સંગ એ બે વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે છે.

અર્થાત્‌ આપણે જો હવે ભગવાનને પ્રસન્ન કરવા હોય તો ભગવાન, સંત, શાસ્ત્ર અને ધર્મનો સંગ નિરંતર કરવો જ પડશે. તો જ આપણને સર્વોપરિ શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થશે અને શાશ્વત શાંતિ મળશે. સંસારિક સુખો અને વૈભવો કયારેય શાંતિ આપી શકતા નથી. હા, કદાચ તે બાહ્ય સુખનો અનુભવ કરાવશે. પરંતુ સાચી શાંતિ તો તે નહિ જ આપી શકે.

ભગવાને આપણને બહુ અમૂલ્ય એવો માનવદેહ આપ્યો છે તો આપણે વિચારીને, સંસારમાંથી પાછી વૃત્તિ વાળીને આપણે હવે સત્સંગમય જીવન પસાર કરી ભગવદ્‌ સુખને પામવા પ્રયત્ન કરીએ.

શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી કુમકુમ

Share This Article