અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક વર્ગ કર્ણાવતીનો આગ્રહ રાખે છે તો અન્ય નાગરિકો અમદાવાદ નામને જ વધારે પસંદ કરી રહ્યા છે. બીજીબાજુ, નામના આ વિવાદ વચ્ચે કર્ણાવતીના સ્થાપક ગણાતા રાજા કર્ણદેવ દ્વારા નિર્મિત કર્ણમુકતેશ્વર મહાદેવ મંદિર અને ભગવાન સ્વામિનારાયણના નિર્દેશાનુસાર બંધાયેલ કાલુપુરના સ્વામિનારાયણ મંદિર સહિતનાં વર્ષોજૂના હિન્દુ સ્થાપત્ય ભારતીય પુરાતત્વ વિભાગના હેરિટેજ લીસ્ટમાં જ નથી. જેથી હવે આ બાબત અમ્યુકો સત્તાવાળાઓના ધ્યાન પર આવતાં સત્તાધીશો તરફથી આ સમગ્ર મામલે કેન્દ્રીય પુરાતત્વ વિભાગનું ધ્યાન દોરી ઉપરોકત સ્થાપત્યોને હેરીટેજ યાદીમાં સમાવવા પ્રયાસો કરાયા છે. સારંગપુર દરવાજા બહાર આવેલ ન્યુ ક્લોથ માર્કેટ નજીકનું કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર શહેરનું સૌથી જૂનામાં જૂનું શિવ મંદિર છે.
આ શિવ મંદિર અંદાજે ૧૦૦૦ વર્ષ જૂનું હોવાનો ઉલ્લેખ અમદાવાદના ઇતિહાસને દર્શાવતા કેટલાક ગ્રંથમાં કરાયો છે. વર્ષ ૧૦૭૪માં રાજા કર્ણદેવ દ્વારા આશાવલ પર વિજય મેળવ્યા બાદ તેની સ્મૃતિમાં તેમણે કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કર્યું હોવાનું પણ ઇતિહાસકારોમાં ચર્ચાતુ રહ્યું છે. આશાવલનગરી કેલિકો મિલથી જમાલપુર દરવાજા થઇને આસ્ટોડિયા દરવાજા સુધીના વિસ્તારમાં હતી અને આસ્ટોડિયા દરવાજા નજીકની ઢાળની પોળ પાસેનો ટેકરો આશા ભીલનો ટેકરો તરીકે આજે પણ ઓળખાય છે. આશા ભીલના ટેકરાથી થોડે દૂર કર્ણમુક્તેશ્વર મહાદેવ સ્થિત છે, જોકે કર્ણાવતીના વાદ-વિવાદ વચ્ચે રાજા કર્ણદેવે બંધાવેલા કર્ણમુક્તેશ્વર મહાદેવના મંદિરને ભારતીય પુરાત¥વ વિભાગ દ્વારા હેરિટેજ સ્થાપત્ય તરીકેની માન્યતા હજુ સુધી મળી નથી. આ જ રીતે કાલુપુરના સ્વામિનારાયણ મંદિરનું છે.
આમ તો શહેરમાં ભદ્રકાળી મંદિર, જગન્નાથજી મંદિર, ગીતામંદિર, નરોડામાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીની ૮૪ બેઠક પૈકીની ૬૯મી બેઠક, અસારવાનું નીલકંઠ મહાદેવ મંદિર, માંડવીની પોળમાં રણછોડરાયજીનું મંદિર, સારંગપુરમાં બહુચરમાતાના મંદિર જેવા વર્ષો જૂના મંદિર છે. કર્ણાવતી સાથે સંકળાયેલુ કોચરબ ગામનું કૌશલ્યાદેવી મંદિર પણ છે. શહેરમાં વર્ષો જૂના જૈન દેરાસર પણ છે. આવા હિન્દુ મંદિર કે જૈન દેરાસરનો પુરાત¥વ વિભાગના નિયમ અનુસાર હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. આ અંગે શહેરના મેયર બીજલબહેન પટેલને પૂછતાં તેમણે જણાવ્યું કે, કર્ણમુક્તેશ્વર મહાદેવ શહેરનું સૌથી જૂનું શિવમંદિર હોવા છતાં તેને પુરાત¥વ વિભાગ દ્વારા હેરિટેજ સ્થાપત્ય તરીકેની માન્યતા આજદિન સુધી અપાઇ નથી. કાલુપુરનું ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર પણ પુરાત¥વ વિભાગના હેરિટેજ લિસ્ટમાં ન હોવાનું મને જાણવા મળ્યું છે.
આ બન્ને મંદિર ઉપરાંતના જે પણ હિન્દુ મંદિર કે જૈન દેરાસર વર્ષોજૂના ઉપરાંત પુરાત¥વ વિભાગના નિયમ મુજબ હેરિટેજ લિસ્ટમાં સમાવવાને યોગ્ય હોવા છતાં પણ તેનો સમાવેશ ન કરાયો હોઇ તેનું અમે અલગ લિસ્ટ બનાવી રહ્યા છીએ. આ લિસ્ટને પુરાત¥વ વિભાગને મોકલાવીશું અને આવા ઐતિહાસિક હિન્દુ મંદિર-જૈન દેરાસરો હેરિટેજ નિયમની જોગવાઇને ચકાસીને સમાવેશ કરવાનો આગ્રહ કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય પુરાત¥વ વિભાગની અમદાવાદ શહેર-જિલ્લાના હેરિટેજ સ્થાપત્યની યાદીમાં હિન્દુ સ્થાપત્યની ઓછામાં ઓછી સંખ્યા હોઇ તેનો વિવાદ ઊઠ્યો છે. કર્ણાવતી નામકરણ બાદ શહેરના ભાજપના શાસકો દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લેવાયો હોઇના વિવાદ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે.