અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થોડા મહિના પહેલાં જ ઉદ્ઘાટન કરાયેલી શહેરની સરદાર વલ્લભભાઇ પટેલ(એસવીપી) અને વીએસ હોસ્પિટલમાં બિમાર દર્દીઓની સારવાર કરતાં ૧૭ ડોકટર્સ જ માંદગીના સકંજામાં સપડાતાં ભારે ચકચાર મચી ગઇ છે. એકબાજુ, અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કમિશનર જે હોસ્પિટલ અમદાવાદની સૌથી સારી અને કોર્પોરેટ હોસ્પિટલ ગણાવી રહી છે એવી સરદાર વલ્લભભાઈ પટેલ (એસવીપી) હોસ્પિટલ અને વીએસ હોસ્પિટલમાં ફરજ બજાવતા ૧૭ જેટલા ડોક્ટરોને ટીબીનું ઈન્ફેક્શન થયુ હોવાનું સામે આવતા હવે તંત્ર પણ દોડતુ થયું છે.
ટીબી ઇન્ફેકશન થયુ છે તેમાં પિડિયાટ્રીકમાં બે, મેડીસીનના ૭ ડોક્ટર, એનેસ્થેસિયામાં ૨ અને સર્જરી વિભાગના ત્રણ ડોકટરોનો સમાવેશ થાય છે. જા કે, હવે તંત્ર દ્વારા આ તમામ ડોકટરોની સંપૂર્ણ અને વિશેષ આરોગ્ય તપાસ કરાવવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે. એકસાથે ૧૭ તબીબો માંદગીના સંકજામાં સપડાતાં હોસ્પિટલ વર્તુળ અને તબીબી આલમમાં પણ ભારે ચર્ચા અને સવાલો ઉઠયા હતા ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કુલદીપ આર્યાએ જણાવ્યું હતું કે , ૧૦-૧૫ જેટલા ડોક્ટરોને ઈન્ફેક્શન હોવાનું સામે આવ્યું છે. રેસીડન્ટસ ડોક્ટર્સ જ્યારે સારવાર કરતા હોય ત્યારે ઘણા ડોક્ટરોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેઓને ઈન્ફેક્શન લાગતું હોય છે. જો કે આ બીમારી વિશે ધ્યાન પર આવતા તપાસ કરવામાં આવશે.
એક તરફ મ્યુનિસિપલ વિપક્ષ વીએસ હોસ્પિટલને અમ્યુકો તંત્ર બંધ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યું છે ત્યારે મેયર બિજલ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સારામાં સારી હોસ્પિટલ હોવાનો દાવો કરી રહ્યાં છે. પરંતુ આ જ હોસ્પિટલના ડોક્ટર્સ પણ બીમારીમાં સપડાયા છે. ત્યારે હોસ્પિટલની સારવાર સામે પણ સવાલ ઉઠી રહ્યાં છે. જા કે, હવે તંત્ર પણ દોડતુ થયુ છે. વધુ ડોકટરો બિમારીમાં ના સપડાય અને હાલના ઇન્ફેકશનગ્રસ્ત ડોકટરોને તેમાંથી મુકત કરાવવા અસરકારક સારવારની પ્રક્રિયા હાથ ધરી છે.