અમદાવાદ: અમરેલી નજીક ગોખરવાળા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે. અકસ્માત બાદ સ્વામિનારાયણ સમુદાયના લોકોમાં પણ અકસ્માતને લઇને માહિતી મેળવવા માટે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. મળેલી માહિતી મુજબ બોલેરો પીક અપ જીપ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની કાર વચ્ચે ગંભીર જીવલેણ અકસ્માત સર્જાતાં સંત સહિત ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.
ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે નજીકની સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમ્યાન એક સંતનો દેહવિલય થતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, અમરેલીના ગોરખવાળા નજીક માલ સામાન ભરેલો પીકઅપ બોલેરો અને સ્વામિનારાયણ સંપ્રદાયની કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો જારદાર હતો કે, બોલેરો અને સંતોની કારની ટક્કરથી બંને વાહનોનો આગળનો ભાગ કુચ્ચો થઇ ગયો હતો. સંતોની કાર બોલેરોની ટક્કરના કારણે રસ્તાની સાઇડમાં ધકેલાઇ ગઇ હતી. જેમાં સવાર સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરના સંત પ્રેમસ્વરૂપદાસ કોઠારી સહિત ત્રણને ગંભીર ઇજા પહોંચતા તમામને સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન સંત પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નિધન થતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં પણ ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.