સુષ્મા સ્વરાજ પંચતત્વમાં વિલિન થયા : મોદી સહિત તમામ ભાવુક

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

નવી દિલ્હી : પ્રખર વક્તા અને દરેકના દિલોદિમાગ પર છવાયેલા આક્રમક અને શક્તિશાળી નેતા સુષ્મા સ્વરાજ આજે ભાવનાશીલ માહોલમાં પંચતત્વમાં વિલિન થઇ ગયા હતા. નમ આંખો સાથે હજારો લોકોએ પોતાના પ્રિય નેતાને અંતિમ વિદાય આપી હતી. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દિલ્હી સ્થિત લોધી રોડ સ્મશાન ગૃહમાં તમામ હસ્તીઓની ઉપસ્થિતિમાં તેમના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારની રસમને તેમની પુત્રી બાસુરી સ્વરાજે અદા કરી હતી. સુષ્મા સ્વરાજને અંતિમ વિદાય આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા સ્પીકર ઓમ બિડલા, લાલકૃષ્ણ અડવાણી, મોદી કેબિનેટના તમામ સભ્યો સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી અને લોકપ્રિય હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

પૂર્વ વિદેશમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સુષ્મા સ્વરાજને હાર્ટએટેકના કારણે ૬૭ વર્ષની વયે ગઇકાલે મોડી રાત્રે અવસાન થયું હતું. દિલ્હી સરકારે તેમના અવસાન પર બે દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. નિધનના કલાકો પહેલા જ ટવિટ કરીને સુષ્મા સ્વરાજે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબૂદીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, પોતાના જીવનમાં આ દિવસનો ઇંતજાર તેઓ કરી રહ્યા હતા. સુષ્મા સ્વરાજ પણ પોતાના ઓજસ્વી ભાષણોથી તમામને રોમાંચિત કરી દેતા હતા. યુપીએ-૨ના ગાળા દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પણ હતા. આ ગાળા દરમિયાન તેઓએ સંસદમાં કેટલાક યાદગાર ભાષણ આપ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ અવધિમાં તેઓએ વિદેશ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. સામાન્ય લોકોની માહિતી મેળવવાના તેઓએ ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ત્રણેય શાસનકાળમાં તેઓ કેબિનેટ મંત્રી તરીકે હતા. દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. મંગળવારે મોડી રાત્રે તેમનું અવસાન થયું હતું. તેમના પાર્થિવ શરીરને રાત્રે જ એમ્સથી જનપથ સ્થિત તેમના આવાસ ધવનદીપ ઇમારતમાં લઇ જવામાં આવ્યા બાદ લોકો પહોંચવા લાગ્યા હતા. આજે બપોરમાં તેમના પાર્થિવ શરીરને ભાજપની હેડ ઓફિસમાં લઇ જવામાં આવ્યા હતા ત્યાં હજારો લોકોએ તેમના દર્શન કર્યા હતા.

તેમના આવાસ ઉપર તમામ લોકો પહોંચ્યા હતા જેમાં કોંગ્રેસી નેતા પણ સામેલ છે. અગાઉ આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને ખુબ જ લોકપ્રિય નેતા સુષ્મા સ્વરાજના  પાર્થિક શરીરને જોઇને ખુબ જ ભાવનાશીલ બની ગયા હતા. તેમની આંખો નમ થઇ ગઇ હતી. મોદી સરકાર-૧માં સાથી પ્રધાન તરીકે રહેલા સુષ્મા સ્વરાજના દિલ્હી સ્થિત આવાસ પર મુકવામાં આવેલા તેમના પાર્થિક શરીરને જોઇને મોદી ખુબ ભાવનાશીલ બની ગયા  હતા. શ્રદ્ધાંજલિ આપતી વેળા મોદીની આંખો નમ થઇ ગઇ હતી. મોદીએ ખુબ જ ગમગીન માહોલમાં સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજના માથા પર હાથ ફેરીને તેમની હિમ્મત વધારી હતી. મોદીએ શ્રદ્ધાંજલિ આપી ત્યારે તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ પણ હતા. મોદીની સાથે સાથે તમામ નેતાઓ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ગઇકાલે મોડી રાત્રે તબિયત એકદમ બગડી ગઇ હતી.

ત્યારબાદ તેમને એમ્સ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા જ્યાં તેમનુ નિધન થયુ હતુ. સુષ્મા લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવી હતી. બિમારીના કારણે જ તેઓએ વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીથી પોતાને અલગ કરી લેવાની જાહેરાત કરી હતી. વર્ષ ૨૦૧૪માં સુષ્મા સ્વરાજને વિદેશ મંત્રાલય માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. સુષ્મા સ્વરાજ જુદા જુદા હોદ્દા પર રહ્યા હતા. મોડી રાત્રે તેમની તબિયત એકદમ ખરાબ થયા બાદ કેન્દ્રિય પ્રધાનો એમ્સ પહોંચી ગયા હતા. જેમાં ડોક્ટર હર્ષવર્ધન, મનોજ તિવારીનો સમાવેશ થાય છે. ૬૭ વર્ષની વયમાં તેમનુ અવસાન થયુ હતુ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. તેમના પાર્થિક શરીરને કાર્યકરો અને લોકોના દર્શન માટે ભાજપ ઓફિસમાં રાખવામાં આવ્યા હતા.

 

Share This Article