સુરેશ રૈનાએ ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતના પૂર્વ બેટ્‌સમેન સુરેશ રૈનાએ મંગળવારે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેના આ ર્નિણયથી હવે તે વિદેશમાં રમાતી લીગમાં પણ ભાગ લઈ શકશે. ૩૫ વર્ષના ભારતીય ક્રિકેટરે ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ના મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસ લેવાની જાહેરાત બાદ આંતરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ત્યારબાદ રૈનાએ ૨૦૨૧માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમવાનું ચાલુ રાખ્યું હતું.

૨૦૨૨માં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને રીટેઈન કર્યો નહતો. રૈનાએ એક ટ્‌વીટ કરીને ભારતીય ક્રિકેટ બોર્ડ, ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન અને ચેન્નાઈ સુપર કિંગ્સનો આભાર વ્યક્ત કર્યો હતો. રૈનાએ જણાવ્યું કે, મારા દેશ અને રાજ્ય ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવાની તક પ્રાપ્ત થઈ તે મારા માટે સમ્માનની વાત છે. હું ક્રિકેટની તમામ  ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરું છું.

ભારત અથવા ઘરેલુ સ્તરે સક્રિય રહેલા ખેલાડી વિદેશની લીગમાં ભાગ નથી લઈ શકતા જેને પગલે રૈના માટે વિશ્વભરમાં રમાતી ટી૨૦ લીગમાં ભાગ લેવા સંન્યાસ લેવો જરૂરી હતો. રૈના છેલ્લે ઓક્ટોબર ૨૦૨૧માં અબુ ધાબી ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રમ્યો હતો. ભારત તરફથી રૈના ૧૮ ટેસ્ટ, ૨૨૬ વન-ડે અને ૭૮ ટી૨૦ રમ્યો હતો. રૈના ૨૦૧૧ની વન-ડે વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો હિસ્સો પણ હતો.

Share This Article