સુરત: ઓર્ગન ડોનર-અંગદાન શહેર તરીકે ખ્યાતનામ બની રહેલા સુરત શહેરમાં બ્રેનડેડ વ્યક્તિઓના અંગદાનનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. આવી જ એક ઘટના સુરતના ક્ષત્રિય ભાણા ભગવાનવાળા પરિવારમાં બની છે. પરિવારના બ્રેનડેડ સ્વજન જિજ્ઞેશભાઈના કિડની અને ચક્ષુઓના દાન થકી ચાર વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. બમરોલીના સર્વોદય એપાર્ટમેન્ટમાં રહેતા અને આંજણાની વિવિંગ ફેક્ટરીમાં લૂમ્સ માસ્ટર તરીકે કામ કરતાં જિજ્ઞેશભાઈ ભાણા ભગવાનવાળા (ઉ. વ.૪૧) પત્ની કામિનીબેન તેમજ ધો.૭ માં અભ્યાસ કરતાં ૧૨ વર્ષીય પુત્ર શિવ અને ધો.૧૦ માં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય પુત્રી ક્વીન્સી સાથે સુખી જીવન જીવતા હતા.
ગત ૧૬ જુનના રોજ જિજ્ઞેશભાઈને સાંજે એકાએક પરસેવો અને ઉલ્ટીઓ થયા બાદ બેભાન થઈ જતાં પરિવારજનોએ તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ અને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સિટી સ્કેન કરાવતાં મગજની નસો ફાટી જવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. જેથી સઘન સારવાર માટે મહાવીર ટ્રોમા હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.આશિત દેસાઇએ ક્રેન્યોટોમી કર્યા બાદ બ્રેનડેડ જાહેર કર્યા.
ડોનેટ લાઇફે પરિવારને અંગદાનની જાણકારી આપતા સૌ પરિવારજનોએ જણાવ્યું કે, હાલમાં જ અમે વાંચ્યું હતું કે સુરતમાંથી ૧૧ દિવસમાં ૭ બ્રેનડેડ વ્યક્તિઓનાં પરિવારજનો દ્વારા ૨૯ વ્યક્તિઓને નવજીવન મળ્યું હતું. અમારું સ્વજન બ્રેનડેડ છે ત્યારે શરીર તો બળીને રાખ જ થઈ જવાનું છે તેના કરતાં તેમનાં અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો આ એક ઈશ્વરીય કાર્ય છે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નીલેશ માંડલેવાલાએ અમદાવાદની ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ રિસર્ચ સેન્ટરનો સંપર્ક કરી કિડની દાન કરી.
જયારે જિજ્ઞેશભાઈના ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. દાનમાં મળેલી એક કિડની સુરતની શિખા મુકેશ અગ્રવાલ (ઉ.વ. ૩૪), જયારે બીજી કિડની અમદાવાદના સંકેત નવનીતભાઈ ભાવસાર (ઉ.વ. ૨૧)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. આમ, ભાણા ભગવાનવાળા પરિવારે બ્રેનડેડ સ્વજનનું અંગદાન કરી માનવતા મહેકાવવાની સાથોસાથ અન્ય લોકોને પ્રેરણા આપી છે.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધી બ્રેનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી નિલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફ દ્વારા ૨૬૪ કિડની, ૧૦૭ લીવર, ૬ પેન્ક્રીઆસ, ૧૭ હૃદય અને ૨૨૪ ચક્ષુઓના દાન મેળવીને ૬૧૫ વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.