સુરત: માંગરોળ તાલુકાના કોસંબા નજીક એક બિનવારસી ટ્રોલી બેગમાંથી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી ગયો હતો. આ ઘટનામાં મહિલાની હત્યા તેના પતિએ કર્યાની આશંકા સેવવામાં આવી રહી છે. નોંધનીય છે કે, રેલવે ઓવરબ્રિજની બાજુમાં આવેલા જાહેર રોડ પરથી એક બંધ ટ્રોલી બેગ મળી આવી હતી. જેમાં વીસેક વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતક મહિલાના હાથ પર એક ટેટૂ દોરવામાં આવ્યું છે. આ ટેટૂ તપાસમાં આધારભૂત માહિતી છે. હાલ મહિલા ક્યાં રહેતી હતી તે અંગેની જાણ થઈ ગઈ છે. તેની આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
બંધ બેગમાંથી અંદાજીત 20 વર્ષીય યુવતીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવતીના ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.
તપાસમાં વધુ માહિતી મળી રહી છે કે, મહિલાની હત્યા તેના પતિએ જ કર્યાની આશંકા સેવવામાં આવી રહી છે. મહિલાની હત્યા કરી લાશ 2.5 ફૂટની બેગમાં ભરી દીધી હતી. જ્યાં મહિલા રહેતી હતી એ ઘર પણ બંધ હાલતમાં મળી આવ્યું છે. મહિલાનો પતિ અને બાળક ઘરે હાજર નથી. આ સાથે ઘરકંકાસમાં હત્યા કર્યાની પણ આશંકા સેવવામાં આવી રહી છે. હાલ મહિલા જ્યાં રહેતી હતી તેની આસપાસના લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. જે પરથી એવી વાત સામે આવી છે કે, સવારે આ દંપતી વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી.
સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ આ અંગે માહિતી આપી હતી કે, અજાણી યુવતીની હત્યા કોઈ બીજી જગ્યાએ કરીને પછી અહીં લાશ ફેંકવામાં આવી હોઈ શકે છે. પુરાવાનો નાશ કરવાના ઇરાદે મૃતદેહને ટ્રોલી બેગમાં પેક કરીને આ સૂમસામ જગ્યા પર ફેંકી દેવામાં આવ્યો છે. આ મૃતદેહ કોનો છે અને આ ઘાતકી હત્યા કોણે અને શા માટે કરી? તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ મહિલાના હાથ ઉપર અંગ્રેજી અક્ષર K, S અને દિલનું ટેટૂ પડાવ્યું હોવાનું જણાયું છે. પોલીસ તેના આધારે મહિલાની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત હત્યારાને પકડવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તેની કડી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
