સુરત એસઓજીની ટીમે બોગસ લાયસન્સ અને માર્કશીટ બનાવી આપતા ચારને ઝડપી લીધા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સુરત એસઓજીના હાથે એક મસમોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ અને માર્કશીટ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે ૪ આરોપીઓ પાસેથી અલગ અલગ ૩૪ માર્કશીટ, ૬ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધારકાર્ડ ૬૫ નંગ મળી કુલ ૧.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત એસઓજી પોલીસને બાતમી મળી હતી કે છેલ્લા કેટલાક સમયથી પાંડેસરા વિસ્તારમાં કેટલાક શખ્સો રૂપિયા લઈ બોગસ લાયસન્સ અને માર્કશીટ લોકોને બનાવી આપે છે. જે બાતમીના આધારે પોલીસે પાંડેસરા વિસ્તારમાં આવેલી સોલાર કોમ્યુટર નામની દુકાનમાં ડમી ગ્રાહક મોકલી આપ્યો હતો. જ્યાંથી આરોપીઓને ડુપ્લીકેટ લાઇસન્સ અને માર્કશીટ બનાવતા ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે ઓફિસમાંથી ૫ મોબાઈલ ફોન,૪ નંગ પાનકાર્ડ પીવીસી કોપી, ૭ નંગ ડ્રાઇવીંગ લાઇસન્સ પીવીસી, ૪ નંગ ચૂંટણી કાર્ડ, ૬૫ નંગ આધારકાર્ડ, ૩૪ નંગ માર્કશીટ, ૫ નંગ આરસીબુક, ૧૭ નંગ ડ્રાઇવીંગ લાઇસન્સની કલર કોપી મળી કુલ ૧.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં ચારેયએ પોતાના નામ મનટુ સિંઘ , અખિલેશ પાલ, મયંક મિશ્રા અને સજીવ પ્રસાદ જણાવ્યું હતું. આરોપી પૈકી મયંક અને સંજીવ બંને બહારથી ગ્રાહકોને શોધીને લાવતા હતા. આ ગ્રાહકોને બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ અને માર્કશીટ બનાવી આપતા હતા બદલામાં તેઓ રૂપિયા ૫૦૦૦ લેતા હતા. ખાસ કરીને અભણ લોકોને આ ટોળકી ટાર્ગેટ કરતી હતી. જેઓના લાઇસન્સ નીકળતા ન હતા તેમને બોગસ લાયસન્સ આપી રૂપિયા પડાવી લેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૧૩૧ જેટલા બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ કબજે કર્યા છે. હાલ તો સમગ્ર મામલે એસઓજી પોલીસે ચારેય આરોપીઓના રિમાન્ડ લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.

Share This Article