સુરત : ૨૪ હોમગાર્ડ મહિલાની જાતીય શોષણની ફરિયાદો કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :  સુરત હોમગાર્ડમાં ફરજ બજાવતી ૨૪ જેટલી મહિલાઓ આજે પોલીસ કમિશનર કચેરી ખાતે ફરિયાદ કરવા પહોંચી હતી. ઉપરી અધિકારીઓ (ઓફિસર કમાન્ડિંગ) દ્વારા તેઓનું શારીરિક માનસિક અને જાતિય શોષણ કરતાં હોવાના આરોપ સાથે આ હોમગાર્ડ મહિલાજવાન પોલીસ કમિશનર કચેરી ખાતે ફરિયાદ કરવા પહોંચતાં મામલો ગરમાયો હતો. ખાસ કરીને સુરત સહિત રાજયના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી. સુરત પોલીસ કમિશનરે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ તપાસની હૈયાધારણ આપી હતી. બીજીબાજુ, પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ હોમગાર્ડની બહેનોના આ પ્રકારે જાતીય શોષણની ઘટનાને શરમજનક ગણાવી હતી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કે, ભાજપના શાસનમાં સામાન્ય મહિલાઓ તો શું પોલીસ અને સુરક્ષા એજન્સીઓની મહિલા કર્મીઓ પણ અસુરક્ષિત છે.   મહિલા હોમગાર્ડએ પોલીસ કમિશનર કચેરી પહોંચીને આરોપ લગાવ્યાં હતા કે, ઉપરી અધિકારીઓ દ્વારા તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. માનસિક શોષણ કરવાની સાથે સાથે તેમને ઘરકામ માટે અધિકારીઓ બોલાવી તેના ઘરના કામો પણ કરાવાઇ રહ્યા છે. ઓફિસર કમાન્ડિંગ દ્વારા હોમગાડ્‌ર્સ બહેનોને ખોટી રીતે શારીરિક સ્પર્શ કરવામાં આવતો હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો છે. મહિલાઓએ રોષે ભરાઈને જાતીય શોષણની વિરુધ્ધમાં અવાજ બુલંદ કરતાં સુરત સહિત રાજયના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચેલી હોમગાર્ડ મહિલાઓએ જણાવ્યું હતું કે, અગાઉ પણ અમે અનેકવાર અરજી આપી ચુક્યા છીએ. પરંતુ કોઈ નિરાકરણ ન આવતાં આજે તેઓ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચીને

રૂબરૂ મળીને ફરિયાદ કરવા પહોંચી છે. હવે મામલો ગરમાતાં અને વિવાદ વધુ વકરતાં સુરત પોલીસ કમિશનર દ્વારા સમગ્ર ઘટનાની તપાસનું આશ્વાસન આપ્યું હતું. બીજીબાજુ, પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ હોમગાર્ડની બહેનોના આ પ્રકારે જાતીય શોષણની ઘટનાને શરમજનક ગણાવી હતી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કે, ભાજપના શાસનમાં સામાન્ય મહિલાઓ તો શું પોલીસ અને સુરક્ષા એજન્સીઓની મહિલા કર્મીઓ પણ અસુરક્ષિત છે. ભાજપના શાસનમાં બાળકીઓ, યુવતીઓ અને મહિલા પર અત્યાચાર, દુષ્કર્મ સહિતની ગંભીર ઘટનાઓએ માઝા મૂકી છે ત્યારે હોમગાર્ડ મહિલાઓ પરના જાતીય શોષણની ઘટના સરકાર માટે નાલેશીજનક કહી શકાય.

Share This Article