સુરત મહાનગર પાલિકાના સાયન્સ સેન્ટરમાં સવારે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે વર્ષ ૨૦૨૫-૨૬નું ડ્રાફ્ટ અને સને ૨૦૨૪-૨૫નું રિવાઈઝ્ડ બજેટ રજુ કયું હતું. મ્યુનિ. કમિશઅનરે ગત વર્ષની સરખામણીમાં ૮૮૫ કરોડ રૂપિયાના વધારા સાથે કુલ ૯૬૦૩ કરોડ રૂપિયાનું રજુ કર્યું હતું. જેમાં ૪૫૬૨ કરોડ રૂપિયાના કેપીટલ કામોની જોગવાઈ કરવામાં આવી છે. મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, અંદાજે ૪૬૯ કરોડ રૂપિયાની રેવન્યુ સરપ્લસ ધરાવતાં બજેટની સાથે સાથે વધારાનું ફંડ શહેરના વિકાસ માટે ઉપયોગમાં આવશે. પાલિકાના આગામી નાણાંકીય વર્ષના ડ્રાફ્ટ બજેટમાં પહેલી વખત રેવન્યુ આવકમાં વધારો અને રેવેન્યુ ખર્ચમાં ઘટાડા સાથે કેપિટલ ખર્ચના લક્ષ્યાંક સિદ્ધ કરવા અંગેના પેરામીટર્સ નક્કી કરવામાં આવ્યા છે.
ખૂબ મહત્વનું છે કે, સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરનાં વાતાવરણમાંથી પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે વધુ ૩૦૦ ઈ-બસ પીએમ ઈ ડ્રાઈવે યોજના હેઠળ દોડાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં વિવિધ ત્રણ લેક ગાર્ડનમાં હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અને ઓક્સિજન પાર્કમાં પણ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટની સાથે સાથે વિવિધ ઝોન વિસ્તારોમાં ૫૦ મીયાવાકી ફોરેસ્ટ બનાવીને ગ્રીન કવર વધારવા પર બજેટમાં ભાર મુકવામાં આવ્યો છે.
નવા બજેટમાં ૪૫૬૨ કરોડ કેપિટલ કામો રજુ કરવામાં આવ્યા છે. જો કે, પ્રોજેક્ટમાં નવા મોટા પ્રોજેક્ટ જોવા મળતા નથી પરંતુ પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ છે તેના પર વધુ ભાર મુકવામા આવ્યો છે. પાલિકા કમિશનરે નવા મોટા પ્રોજે્કટ નહી મુકીને બજેટને વાસ્તવિક બનાવવા પ્રયાસ કર્યો છે. પાલિકાના હદ વિસ્તરણ બાદના નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ સહિત વિકાસ કાર્યો પર ૮૬૮ કરોડના વધારા સાથે તબક્કાવાર ૫૪૮૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો લક્ષ્યાંક જાહેર કરવામાં આવ્યો છે. આ બજેટમાં સરથાણા અને રાંદેર ઝોનમાં ચાર નવા બ્રિજ બનાવવાની જાહેરાત કરવા સાથે, ફ્લાયઓવર બ્રિજ માટે ૧૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. ડ્રાફ્ટ બજેટમાં પહેલી વખત ૫૫૧૦ કરોડ રૂપિયાની આવકનો અંદાજ મુકવામાં આવ્યો છે. સુરતને ગુજરાતની આર્થિક રાજધાની ગણાતાં સુરત શહેરને દેશભરમાં લોજીસ્ટીક્સના ક્ષેત્રમાં મોટું ગ્રોથ હબ બનાવવા માટે સુરત ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક્સ પ્લાન ૨૦૪૭ પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે અને ગ્રીન હાઉસ ગેસ એમીશન ઘટાડી એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ માટે નેટ ઝીરો એમીશન મિશનનો પણ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.ડ્રાફ્ટ બજેટમાં ૪૭૩ કરોડના ખર્ચે ૧૦.૮૩ કિલોમીટરની લંબાઈના આઉટર રિંગરોડ બીજા તબક્કાની કામગીરી માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.
૨૦૨૫-૨૬ના ડ્રાફ્ટ બજેટમાં શહેરમાં વધુ ચાર નવા ફ્લાયઓવર-ખાડી બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરથાણા ઝોન વિસ્તારમાં સુરત-કામરેજ રોડ પર ૨૪ કલાક ટ્રાફિકથી ધમધમતાં શ્યામધામ મંદિર જંકશન પર વાહન ચાલકોની હાલાકીને ધ્યાને રાખીને ૭૦ કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનાવશે. આ સિવાય સરથાણામાં જ નવા સમાવિષ્ટ વિસ્તાર પૈકી રંગોલી ચોકડી જંકશન પર ૫૦ કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામા આવશે, આ ઉપરાંત રાંદેર ઝોનમાં પણ કેનાલ-ખાડી બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીપી સ્કીમ નં.૪૬ (ગોથાણ-ભરથાણા-કોસાડ-વરિયાવ)માં અંજની ઈન્ડસ્ટ્રીઝ પાસે કેનાલ કલ્વર્ટ-બ્રિજ સ્ટ્રક્ચરને વાઈડનીંગ કરવા માટે ૧૫ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. આ સિવાય રાંદેર ઝોનમાં જ વરિયાવ ખાતે ૩૦ મીટરના રસ્તા પર ખાડી બ્રિજ બનાવવામાં આવશે.