સુરત: ઉધના વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. પટેલનગર વિસ્તારમાં આવેલ સાઈ જલારામ સોસાયટીમાં ગઈકાલે બુધવારે રાતના 10 વાગ્યાની આસપાસ એક સંદીપ ગોડ નામના વ્યક્તિએ પોતાના સાળા અને સાળી પર ચપ્પુ વડે ઉપરા છાપરી ઘા કરી કરી બંનેની હત્યા કરી નાખી હતી. ત્યારે સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ મામલે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી મુજબ, મૃતકની ઓળખ 30 વર્ષીય નિશ્ચય અશોકભાઈ કશ્યપ અને તેની બહેન મમતા કશ્યપ તરીકે થઈ છે. જેઓ પોતાની માતા સાથે સુરત શોપિંગ કરવા માટે આવ્યા હતા, જે દરમિયાન આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. ઘટના બાદ પોલીસ કંટ્રોલ રૂમને કોલ મળ્યો કે, ઉધના પટેલનગર વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બની છે. ત્યારે પોલીસ જોઈન્ટ પોલીસ કમિશનર, ડી.સી.પી. અને પી.આઈ. સહિતનો કાફલો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
ઘટનાસ્થળે ફોરેન્સિક ટીમે પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરતા સામે આવ્યું છે કે, ઘટનાના સમયે આરોપી બનેવી સંદીપ ગોડએ ઘરમાં જ પોતાના સાળા નિશ્ચય અને સાળી મમતા(પત્નીના ભાઈ-બહેન) સહિત સાસુ પર પણ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. તેણે પેટ, ગળા અને પીઠના ભાગે ચપ્પુના અનેક ઘા ઝીંક્યા હતા, જે બાદ ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં આ ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે નિશ્ચય અને મમતાને મૃત જાહેર કર્યા હતા, સાસુની હાલત પણ હાલ ગંભીર હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં આવ્યું છે કે, મૃતક નિશ્ચય કશ્યપ ઉત્તરપ્રદેશમાં ફોરેન્સિક ટીમમાં ફરજ બજાવતો હતો અને તાજેતરમાં તેના લગ્ન નક્કી થયા હોવાથી તે બહેન મમતા અને માતા સાથે લગ્નની શોપિંગ કરવા માટે ગત 4 તારીખે પ્રયાગરાજથી સુરત તેના બનેવીના ઘરે આવ્યો હતો. દરમિયાન તેના બનેવી સંદીપ ગોડ જ આ લોહિયાળ ખેલ ખેલીને ત્યાંથી ભાગી છુટ્યો છે.
આ મામલે DCP કાનન દેસાઈએ આપેલી માહિતી અનુસાર, મૃતક મમતા અને નિશ્ચય મુળ ઉત્તર પ્રદેશના મૂળ રહેવાસી છે, જેઓની એક બહેનાના લગ્ન સુરત શહેરના સંદીપ ગોડ નામના યુવક સાથે થયા હતા. શરૂઆતમાં બધુ બરોબર હતું. પરંતુ સમય જતા આ બનેવી સંદીપ ગોડ તેની પત્નીની બહેન મમતા (સાળી) સાથે લગ્ન કરવા માંગતો હતો. જોકે આ વાત શક્ય ન હોવાથી આ બાબતે ઝઘડો ચાલતો હતો. જેના કારણે ડબલ મર્ડરની ઘટના બની છે.
હાલ આ મામલે સુરત પોલીસે આરોપી સંદિપ ગોડની શોધખોળ માટે અનેક ટીમો બનાવી દીધી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ મૃતક ભાઈ-બહેનના મૃતદેહનાં પોસ્ટમોર્ટમ માટેની પ્રક્રિયા પણ પોલીસે શરૂ કરી છે, ઉપરાંત હોસ્પિટલમાં સારવાર હેઠળ સાસુની પૂછપરછ કરવાની પણ તૈયારી દર્શાવી છે. ત્યારે સગા બનેવીએ જ સાળી સાથે લગ્ન કરવાની જીદ કરીને સાળી-સાળાને એક સાથે મોતને ઘાટ ઉતારતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ છે.