મહિલાઓના અશ્લિલ વિડિયો ઉતારનારો ટેકનિશિયન જબ્બે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: સુરત શહેરનાં ડિંડોલી વિસ્તારમાં ક્લિનીકનાં ટેક્નીશિયન પર મહિલાઓએ અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ લગાવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આશરે ૧૪૫ જેટલી મહિલાઓએ ક્લિનીકનાં ટેક્નિશીયન પર અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આરોપી ટેકનીશીયનની ધરપકડ કરી સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

હજુ થોડા સમય પહેલાં જ વડોદરા જિલ્લાના એક આંતરિયાળ ગામના ડોકટર દ્વારા આ જ પ્રકારે મહિલાઓના બિભત્સ વીડિયો ઉતારવાનો ચકચારભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને ત્યારબાદ સામે આવેલા આ કિસ્સાએ પણ ખળભળાટ મચાવ્યો છે.  સુરત શહેરનાં ડિંડોલી વિસ્તારમાં ક્લિનીકનાં ટેકનીશીયન મહમદ મંસુરી સારવારનાં નામે મહિલાઓને રૂમમાં લઈ જતો હતો. ત્યારબાદ રૂમમાં મહિલાઓની આંખો પર પટ્ટી બાંધીને વીડિયો ઉતારતો હતો. આ ઘટના બાદ મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો.

મોટી સંખ્યામાં મહિલાઓ ટેક્નિશીયન મહમદ મંસુરીને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતનાં ડિંડોલી વિસ્તારની ૧૪૫ જેટલી મહિલાઓ આજે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેઓએ તેમનાં વિસ્તારમાં જ આવેલ એક ક્લિનીકનાં ટેક્નિશીયન પર અશ્લીલ ક્લિપ બનાવવાનો આરોપ મૂક્યો હતો. ત્યારે તે બધી મહિલાઓ એક સાથે જઇને તે ટેક્નિશીયનને પોલીસ સ્ટેશન સુધી લઇ ગઇ હતી.

મહિલાઓએ પોલીસ સ્ટેશને પોતાની વ્યથા જણાવતાં કહ્યું કે, આ ટેક્નીશીયન સારવારને નામે મહિલાઓને રૂમમાં લઇ જતો હતો અને રૂમમાં જ મહિલાઓની આંખો પર પટ્ટી બાંધીને અશ્લીલ હરકતો કરીને તેનો વીડિયો ઉતારતો હતો. જો કે, આ મામલે સ્થાનિક પોલીસે આરોપીની ધરપકડ કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવને પગલે સમગ્ર સુરત શહેરમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

TAGGED:
Share This Article