સુરતમાં વિદ્યાર્થીને લઇ જતો ટેમ્પો પલટી ખાતાં અકસ્માત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ :  સુરતમાં કામરેજ તાલુકાના ઓરણા ગામે વિદ્યાર્થીઓ ભરેલો ટેમ્પો પલટી મારી જવાના સમાચાર પ્રકાશમાં આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી. સુરતના કામરેજના ઓરણા ગામ નજીક વિદ્યાર્થીઓ ભરેલા ટેમ્પો અચાનક પલટી ખાઇ ગયો હતો. જેના કારણે ૨૦ થી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ ટેમ્પામાં ૪૦ જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. ઘાયલ તમામ વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર. તમામ વિદ્યાર્થીઓ કિમ ખાતે ચાલતા ગાંધી મેળામાં જઇ રહ્યા હતા.

આજે  બુધવારે સવારે કામરેજના ઓરણા ગામ પાસે ૪૦ જેટલા વિદ્યાર્થી ભરેલો ટેમ્પો પસાર થતો હતો ત્યારે ટેમ્પો ડ્રાઇવરે અચાકન કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ખાઇ ગયો હતો. આ અકસ્માતમાં ૨૦ થી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત તમામ વિદ્યાર્થીઓને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ વિદ્યાર્થીઓ બારડોલીના ભુવાસન બુનિયાદી શાળાના વિદ્યાર્થીઓ કિમ ખાતે ચાલતા ગાંધી મેળામાં જતા હતા. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં ૨૦થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયાના સમાચારને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક પોલીસે પણ સમગ્ર બનાવને લઇ જરૂરી તપાસ હાથ ધરી હતી.

Share This Article