અમદાવાદ : સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આઝાદનગર ખાતેના બાલક્રિષ્ના કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી થેલીઓ બનાવવાની દુકાનમાં આગ ફાટી નીકળી હતી. જેને પગલે સમગ્ર કોમ્પ્લેક્સમાં નાસભાગ મચી ગઈ હતી. સૌથી નોંધનીય વાત તો એ હતી કે, જયાં આગ ફાટી નીકળી તે થેલી બનાવવાના આ કારખાના ઉપર જ જ્ઞાન ગંગા સ્કૂલ ચાલે છે અને તેના વિદ્યાર્થીઓ આગની ઘટનામાં તક્ષશિલા આર્કેડની આગની જેમ ફસાય નહી અને એ પ્રકારની કોઇ ગંભીર તેમ જ મોટી દુર્ઘટના સર્જાય નહી તે હેતુથી ફાયરબ્રિગેડના જવાનોએ સૌથી પહેલી સમયસૂચકતા વાપરીને શાળાના ૧૫૦થી વધુ બાળકોને સહીસલામત રીતે બચાવી લીધા હતા અને તેમને સલામત સ્થળે ખસેડી દીધા હતા.
જા કે, આગને પગલે એક તબક્કે તક્ષશિલા આર્કેડની આગની ભયાવહ દુર્ઘટના તાજી કરી દેતાં શાળાના બાળકો, તેમના વાલીઓ, શાળા સંચાલકો-સ્ટાફ કર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જા કે, આગ વિકરાળ ન હોવાથી ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓએ આગ પર સમયસર કાબુ મેળવી લીધો હતો. આ અંગે પ્રાપ્ત માહતી મુજબ, સુરતના આઝાદ નગર ખાતે આવેલા આવેલા બાલક્રિષ્ના કોમ્પલેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર શોર્ટ સર્કિટના કારણે નોનવૂનની થેલીઓ બનાવતા કારખાનામાં આગ લાગી હતી. શોપીંગ કોમ્પલેક્સના ઉપરના ભાગે જ્ઞાનગંગા હિન્દી વિદ્યાલય આવેલી હતી. જૂનિયરથી આઠ ધોરણની આ સ્કૂલમાં આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જેથી તેમને સલામત રીતે બહાર કાઢીને રજા આપી દેવામાં આવી હતી. દુર્ઘટનાને પગેલ ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવીને સ્કૂલને સીલ કરી દેવામાં આવી હતી. ફાયરબ્રિગેડને સ્કૂલમાં યોગ્ય સાધનો ન મળ્યા અને સાથે જ આવી દુર્ઘટના વખતે યોગ્ય સ્ટ્રક્ચર ન હોવાના કારણે સ્કૂલને સીલ કરી દેવામાં આવી હતી. ફાયરની એનઓસી પણ ન હોવાથી સીલ કરવામાં આવી હતી. શોપિંગ કોમ્પલેક્સમાં ચાલતી સ્કૂલ અંગે ડીઈઓ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, યોગ્ય તપાસ કરીને નોટિસ આપવાથી લઈને પગલાં લેવામાં આવશે. જો કે આગની દુર્ઘટનામાં સ્કૂલના કોઈપણ બાળકોને કઈ થયું નથી. આગ લાગી તે દૂરની દુકાનમાં લાગી હતી. તેમ છતાં યોગ્ય તપાસ કરીને પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તા.૨૯મીએ પાલિકાની સામાન્ય સભા યોજાનાર છે જેમાં અધિકારીઓ પર કાર્યવાહી કરવા માટે ઠપકા દરખાસ્ત લાવવામાં આવશે. સંખ્યાબળ ન હોવાથી આ અંગે શાસક પક્ષ સાથે પણ સહકારની અપેક્ષા સેવાઇ રહી છે. ઠપકાની દરખાસ્તમાં નામ જોગ કર્મચારીઓ સામે પગલા ભરવા માટે કાર્યવાહી કરવામાં આવશે. ઠપકા દરખાસ્તમાં જે તે કર્મચારીએ જવાબ આપવો પડતો હોય છે. ઉલ્લેખનીય છે કે, તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં ૨૨ના મોત નીપજ્યા હતા. આ કાળમુખી એક મહિનો વીત્યા બાદ આજે ફરી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. જા કે, આ આગને પગલે તક્ષશિલા આર્કેડની ભયાવહ દુર્ઘટનાની યાદ સુરતવાસીઓમાં તાજા થઇ ગઇ હતી.