નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો હતો કે રસ્તાઓ પર રખડતા શ્વાનોને ખવડાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને દિલ્હી-એનસીઆરના મ્યુનિસિપલ સત્તાવાળાઓને તેના માટે સમર્પિત જગ્યાઓ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રખડતાં શ્વાનો ને શેલ્ટર હોમમાં રાખવામાં આવશે નહીં. જે શ્વાનો ને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા છે તેમનુ ખસીકરણ કરી છોડી મૂકવામાં આવશે. માત્ર બીમાર અને આક્રમક શ્વાનોને જ શેલ્ટર હોમમાં રાખવામાં આવશે.
જસ્ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળ ત્રણ જજાેની બેન્ચે આ નિર્દેશ આપ્યો છે. તેમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પણ આ નોટિસ જાહેર કરી છે. દરેક મ્યુનિસિપલ વિસ્તારમાં રખડતાં કૂતરાઓના ભોજન માટે અલગથી જગ્યા બનાવવામાં આવશે. તેમજ નિર્ધારિત સ્થળ પર જ કૂતરાઓને ભોજન આપી શકાશે. જાહેર સ્થળો પર ગમે-ત્યાં ભોજન મૂકી શકાશે નહીં. આમ કરનારા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાશે.
વધુમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કૂતરાઓને જ્યાંથી પણ ઉઠાવવામાં આવ્યા હોય, તે જ સ્થળે પાછા મૂકવામાં આવે. દરેક વોર્ડમાં કૂતરાઓના ભોજન માટે ફિડિંગ ઝોન બનાવવામાં આવશે. જાહેર સ્થળો પર કૂતરાઓને ખવડાવી શકાશે નહીં. નિયમનોનું ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ ફરિયાદ નોંધવા હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે. એનજીઓને ફિડિંગ ઝોન માટે રૂ. ૨૫૦૦૦નું ફંડ આપવામાં આવશે.